ગણતંત્ર દિવસ પર 939 જેટલા પોલીસ કર્મીઓને વીરતા પદક અને સેવા પદકથી સન્માનિત કરવામાં આવશે
Live TV
-
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 26મી જાન્યુઆરીએ 'શહીદોને શત શત નમન' નામના કાર્યક્રમનું NCC દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી તરફથી ગણતંત્ર દિવસનાં અવસરે શહીદોના પરિજનોને શોર્ય સ્મૃતિ ચિહ્ન પ્રદાન કરી સન્માનિત કરવામાં આવશે. ગણતંત્ર દિવસ પર 939 જેટલા પોલીસ કર્મીઓને વીરતા પદક અને સેવા પદકથી સન્માનિત કરવામાં આવશે. જેમાં વિશિષ્ટ સેવા માટે 88 પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિ પોલીસ પદક જ્યારે 662 પોલીસ કર્મીઓને સરાહનીય સેવા પદક આપવામાં આવશે. 189 પોલીસ કર્મીઓને વીરતા પોલીસ પદકથી સન્માનિત કરવામા આવશે. મહત્વનું છે કે 189 પોલીસ કર્મીઓમાંથી 134 પોલીસ કર્મીઓને જમ્મુ કાશ્મીરમાં તેઓની વીરતા માટે સન્માનિક કરાશે.
આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય યુધ્ધ સ્મારક પર વીર શહીદોને શ્રધ્ધાંજલિ આપશે. વીરતા મેડલ માટે ગુજરાતના એડિશનલ ચીફ ફાયર ઓફિસર બસંત કુમાર પારેખની પસંદગી કરાઇ છે. પ્રેસિડન્ટ પોલીસ મેડલ માટે ગુજરાતના એડિશનલ ડી.જી. લૉ એન્ડ ઓર્ડર - નરસિમ્હા કોમર અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ASI, ભરત સિંહ વાઘેલાની પસંદગી કરાઇ છે. તો, પોલીસ મેડલ માટે 17 પોલીસ અધિકારી અને કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે.
