જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાયઃ લેહમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ
Live TV
-
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજથી બે દિવસ માટે લદ્દાખ અને શ્રીનગરની મુલાકાતે છે. રાજનાથ સિંહ આજે સવારે લેહ એરપોર્ટ પર પહોંચ્યાં હતા જ્યાં સૈન્યના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયુ હતું.
તેમણે સરહદ સ્થિતિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ભારતની એક ઈંચ જમીન પણ વિશ્વમાં કોઈ સ્પર્શી નહીં શકે, તેના પર કોઈ કબજો કરી નહીં શકે. લુકુંગ ફોરવાર્ડ પોસ્ટ પર રક્ષામંત્રીએ ભારતીય સેનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, 'સેનાના જવાનો ભારતની આન, બાન અને શાન છે. જવાનોની શહાદત વ્યર્થ જશે નહીં.'
સંરક્ષણમંત્રીએ અહીં જાંબાઝ વીર જવાનોના સાહસીક હવાઈ કરતબોનું પ્રદર્શન નિહાળ્યું હતું. તો પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં આવેલી મહત્વની પોસ્ટ લુકુંગ પર જવાનો સાથે મુલાકાત કરી તેમને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતે હંમેશા વિશ્વને વસુધૈવ કુટુંબકમનો સંદેશ આપ્યો છે. અને આપણે ક્યારેય કોઈ દેશ પર આક્રમણ નથી કર્યું કેમ કે આપણે હંમેશા શાંતિ ઈચ્છીએ છીએ.
પરંતુ જો દેશના સ્વાભિમાન પર કોઈ પ્રહાર કરશે તો તેને સહન કરવામાં નહીં આવે. સંરક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જવાનોની શહાદત વ્યર્થ નહીં જાય. ભારતની એક ઈંચ જમીનને પણ દુનિયાની કોઈ તાકાત સ્પર્શ નહીં કરી શકે. સંરક્ષણ મંત્રીએ આજે પેંગૌગ ત્સોની નજીક ફોરવર્ડ પોસ્ટની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીની રાવત અને સેના અધ્યક્ષ જનરલ મનોજ મુકૂંદ નરવણે તેમની સાથે ઉપસ્થિત રહ્યાં હતા.
