ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ
Live TV
-
ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હતી. જેમાં વિવિધ રાજકીય પક્ષોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. ભાજપના તમામ 55 ઉમેદવારોએ પોતપોતાના જિલ્લાઓમાં રિટર્નિંગ ઓફિસરને ઉમેદવારીપત્રો રજુ કર્યા છે. આ ઉપરાંત, કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ પણ ઉમેદવારીપત્રો ભર્યા છે. ઉમેદવારીપત્રો ભરનારમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાનો પણ સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ ઉમેદવારી પત્ર ભરતા પહેલાં વિવિધ મંદિરોમાં પૂજા-અર્ચના કરી હતી. તેઓ અગરતલાના બારદોવાલી મતવિસ્તારથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર આશિષ સાહાએ પણ આજે ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ રાજીવ ભટ્ટાચાર્યએ પણ બનમાલીપુર મતદારક્ષેત્રથી પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. રાજ્ય ભાજપના નેતાઓ ઉપરાંત આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે પણ રેલીમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રતિમા ભૌમિકે પણ સોનમુરાના ધાનપુર મતદારક્ષેત્રમાંથી પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય સુદીપ રોય બર્મને પણ અગરતલા મતવિસ્તારમાંથી ઉમેદવારી પત્ર ભર્યું છે.
