દિલ્હી અને નોઈડા સહિત દેશના ઘણા ભાગોમાં વરસાદ, મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
Live TV
-
IMDએ મુંબઈ અને તેની આસપાસના જિલ્લાઓ પાલઘર, થાણે અને રાયગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પૂણે, સતારા અને રત્નાગીરી માટે ભારેથી અતિ ભારે વરસાદનું સૂચન કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંબંધિત જિલ્લા અધિકારીઓએ આજે મુંબઈની તમામ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે.
ગઈકાલે મુંબઈમાં અવિરત ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે માર્ગ પરનો ટ્રાફિક ધીમો પડી ગયો હતો પરંતુ ઉપનગરીય ટ્રેનોની સેવાઓ સહેજ વિલંબ સાથે સામાન્ય રહી હતી. ફોર્ટ, કોલાબા, નરીમાન પોઈન્ટ, એલ્ફિન્સ્ટન રોડ, ગ્રાન્ટ રોડ અને અંધેરી, મરોલ, જોગેશ્વરી અને ગોરેગાંવ સહિતના ઉપનગરોમાં ગઈકાલે 100 મીમીથી વધુ વરસાદ થયો હતો. દરમિયાન, છેલ્લા 24 કલાકમાં ચંદ્રપુર અને ગઢચિરોલી જિલ્લા સહિત મહારાષ્ટ્રના ભાગોમાં વીજળી પડવાને કારણે ચાર મહિલાઓ સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે.
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે ઉત્તર ભારતમાં પણ ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આટલું જ નહીં, ગુજરાત, કર્ણાટક અને કેરળના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
દિલ્હી, નોઇડા, ગ્રેટર નોઇડા અને દેશના અન્ય કેટલાક ભાગોમાં ભારે વરસાદને રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને કેટલાક ભાગોમાં શાળાઓને બંધ કરવાની ફરજ પડી છે. દિલ્હીમાં આજે સવારે મધ્યમથી ભારે વરસાદ થયો હતો. રસ્તાઓ પર વિઝિબિલિટી ન હોવાના કારણે વાહનોની અવરજવરને પણ અસર થઈ હતી.
