પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગથી કોલકત્તામાં ચિત્તરંજન રાષ્ટ્રીય કેન્સર સંસ્થાનનાં બીજા પરિસરનું કર્યું ઉદ્ઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીઓ કોન્ફરન્સિંગના માધ્યમથી કોલકત્તા સ્થિત ચિતરંજન રાષ્ટ્રીય કેન્સર સંસ્થાના બીજા પરિસરનું ઉદઘાટન કર્યું. આ પરિસર 530 કરોડની રકમનો ઉપયોગ કરી બનાવવામાં આવેલ છે. જેમાંથી આશરે 400 કરોડ રૂપિયા કેન્દ્રીય સરકાર દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે. CNCIમાં કેન્સરનાં દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી સંસ્થાનું પરિસર બનાવવામાં આવેલ છે. પ્રધાનમંત્રીએ કાર્યક્રમનાં સંબોધનમાં જણાવ્યું કે કેન્સરનો રોગ એવો છે કે તેનું નામ સાંભળતા જ ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો હિંમત હારી જતા હતા. ગરીબોને આ દુષ્ટ ચક્રમાંથી બહાર કાઢવા માટે દેશ સસ્તી અને સુલભ સારવાર માટે સતત પગલાં લઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં કેન્સરની સારવાર માટે જરૂરી દવાઓની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 8 હજારથી વધારે જન ઔષધિ કેન્દ્રો અતિ વાજબી દરે દવાઓ અને સર્જિકલ ચીજવસ્તુઓ પૂરી પાડે છે. આ સ્ટોર્સમાં અતિ ઓછી કિંમતે કેન્સરની 50થી વધારે દવાઓ ઉપલબ્ધ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના આરોગ્ય ક્ષેત્રની કાયાપલટ કરવા નિવારણાત્મક હેલ્થકેર, વાજબી હેલ્થકેર, પુરવઠા સામે માગ પૂરી કરવા વિવિધ હસ્તક્ષેપો હાથ ધરવા માટે યુદ્ધના ધોરણે અભિયાનોને વેગ આપવામાં આવ્યો છે. યોગ, આયુર્વેદ, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, યુનિવર્સલ ઇમ્મ્યૂનાઇઝેશન નિવારણાત્મક હેલ્થકેરને મજબૂત કરે છે. એ જ રીતે સ્વચ્છ ભારત અભિયાન અને હર ઘર જલ યોજનાઓ આરોગ્યલક્ષી શ્રેષ્ઠ પરિણામોમાં પ્રદાન કરે છે.
તેમણે કહ્યું હતું કે, સરકાર દર્દીઓની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ છે અને 500થી વધારે દવાઓની કિંમત નિયમનથી વર્ષે 3000 કરોડ રૂપિયાથી વધારેની બચત કરે છે. કોરોનરી સ્ટેન્ટના કિંમતોનું નિયમન થવાથી દર વર્ષે 4500 કરોડ રૂપિયાથી વધારેની બચત થાય છે, ની ઇમ્પ્લાન્ટના ઘટતા ખર્ચથી વરિષ્ઠ નાગરિકોને દર વર્ષે 1500 કરોડ રૂપિયાની બચત થાય છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલીસિસ કાર્યક્રમ અંતર્ગત 12 લાખ ગરીબ દર્દીઓને ફ્રી ડાયાલીસિસ સુવિધાઓ મળે છે. અત્યારે આયુષ્માન ભારત યોજના વાજબી અને સર્વસમાવેશક હેલ્થકેરની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય માપદંડ બની ગઈ છે. પીએમ-જેએવાય અંતર્ગત 2 કરોડ 60 લાખથી વધારે દર્દીઓને સમગ્ર દેશની હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવાર મળે છે. આ યોજનાની ગેરહાજરીમાં દર્દીઓને 50 થી 60 હજાર રૂપિયાનો ખર્ચ થશે. કેન્સરના 17 લાખથી વધારે દર્દીઓને પણ આયુષ્માન ભારત યોજનાનો લાભ મળ્યો હતો. આ યોજના કેન્સર, ડાયાબીટિસ અને હાયપર-ટેન્શન જેવા રોગોની નિયમિત ચકાસણી દ્વારા ગંભીર રોગોનાં વહેલાસર નિદાન અને સારવારને પ્રોત્સાહન પણ આપે છે. આ અભિયાનમાં આગામી હેલ્થ અને વેલનેસ કેન્દ્રો મદદરૂપ થાય છે. પશ્ચિમ બંગાળમાં પણ આ પ્રકારના 5 હજારથી વધારે કેન્દ્રો ઊભા થયા છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, દેશમાં મુખ, ગરદન અને સ્તન કેન્સર માટે 15 કરોડથી વધારે લોકોએ પરીક્ષણ કરાવ્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 2014 સુધી દેશમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ સીટની સંખ્યા આશરે 90,000 હતી. છેલ્લાં 7 વર્ષમાં તેમાં 60,000 નવી સીટનો ઉમેરો થયો છે. વર્ષ 2014માં આપણે ફક્ત 6 એમ્સ ધરાવતા હતા અને અત્યારે દેશ 22 એમ્સના મજબૂત નેટવર્ક તરફ અગ્રેસર છે. ભારતના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજની સુનિશ્ચિત કરવા કામગીરી ચાલુ છે. કેન્સરની સારવાર માટેની માળખાગત સુવિધામાં 19 રાજ્ય કેન્સર સંસ્થા દ્વારા વધારો થશે, 20 ટર્શરી કેર કેન્સર સંસ્થાઓને મંજૂરી મળી છે અને 30થી વધારે સંસ્થાઓ પર કામગીરી ચાલુ છે. તેમણે ઉમેર્યું હતું કે, એ જ રીતે આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન અને આયુષ્માન ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન દેશના આરોગ્ય ક્ષેત્રને આધુનિક સ્વરૂપ આપશે.
સીએનસીઆઈનાં બીજા કેમ્પસનું નિર્માણ રૂ. 540 કરોડથી વધારે ખર્ચે થયું છે, જેમાંથી આશરે રૂ. 400 કરોડ કેન્દ્ર સરકારે પ્રદાન કર્યા છે અને બાકીની રકમ પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારે પ્રદાન કરી છે. આ રીતે આ કેમ્પસના નિર્માણમાં કેન્દ્ર અને રાજ્યના પ્રદાનનો રેશિયો 75:25 છે. કેમ્પસ એક 450 બેડ ધરાવતું વિસ્તૃત કેન્સર સેન્ટર એકમ છે, જે કેન્સરનું નિદાન કરવા, એ કયા તબક્કામાં છે એની ચકાસણી કરવા, સારવાર અને સારસંભાળ માટે અદ્યતન માળખાગત સુવિધા ધરાવે છે. કેમ્પસ ન્યૂક્લીઅર મેડિસિન (પીઇટી), 3.0 ટેસ્લા એમઆરઆઇ, 128 સ્લાઇસ સીટી સ્કેનર, રેડિયોન્યૂક્લાઇડ થેરપી યુનિટ, એન્ડોસ્કોપી સ્યૂટ, આધુનિક બ્રેકીથેરેપી યુનિટ વગેરે જેવી આધુનિક સુવિધાઓ સાથે સજ્જ છે. કેમ્પસ અદ્યતન કેન્સર સંશોધન સુવિધા તરીકે પણ કામ કરશે અને કેન્સરના દર્દીઓને વિસ્તૃત સારવાર પ્રદાન કરશે.
