પ્રધાનમંત્રીનાં પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં ખામી, ફિરોઝપુર ખાતેની રેલી કરાઈ રદ્દ
Live TV
-
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબના ફિરોઝપુરમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું શિલાન્યાસ કરવાના હતા પરંતુ આજે પ્રધાનમંત્રીની પંજાબનાં ફિરોજપુરની રેલીને સુરક્ષાનાં કારણોસર રદ કરાઈ હોવાનું ગૃહ વિભાગ દ્વારા જણાવાયું છે. આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભટિંડા પહોંચ્યા હતા જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલા ખાતેના રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. વરસાદ અને નબળી વિઝિબિલિટીનાં કારણે પ્રધાનમંત્રીએ લગભગ 20 મિનિટ સુધી હવામાન સાફ થવાની રાહ જોઈ હતી. જ્યારે હવામાનમાં સુધારો થયો ન હોવાથી તેઓ રોડ દ્વારા રાષ્ટ્રીય શહીદ સ્મારકની મુલાકાત લેવાના હતા. ડીજીપી પંજાબ પોલીસ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાની ખાતરી અપાયા બાદ તેઓ સડક માર્ગે મુસાફરી કરવા માટે આગળ વધ્યા હતા.
હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ 30 કિલોમીટર દૂર, જ્યારે પ્રધાનમંત્રીનો કાફલો ફ્લાયઓવર પર પહોંચ્યો ત્યારે જાણવા મળ્યું કે, કેટલાક દેખાવકારો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. પ્રધાનમંત્રીના સમયપત્રક અને પ્રવાસ યોજનાની પંજાબ સરકારને અગાઉથી જ જાણ કરવામાં આવી હતી. પ્રક્રિયા મુજબ, તેઓએ લોજિસ્ટિક્સ, સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવાની સાથે સાથે આકસ્મિક યોજના તૈયાર રાખવાની હોય છે. આકસ્મિક યોજનાને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારે રસ્તા દ્વારા કોઈપણ હિલચાલ સામે સુરક્ષા વ્યવસ્થા માટે વધારાનો સુરક્ષા બંદોબસ્ત કરવો પડે પરંતુ સ્પષ્ટપણે ત્યાં સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરાઈ નહોતી. આ સુરક્ષા ક્ષતિ પછી પ્રધાનમંત્રી ભટિંડા એરપોર્ટ પર પાછા ફર્યા હતા. ગૃહ મંત્રાલય (MHA) એ આ ગંભીર સુરક્ષા ક્ષતિની નોંધ લેતા રાજ્ય સરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. રાજ્ય સરકારને પણ આ ક્ષતિ માટે જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે.
