પ્રધાનમંત્રી: દક્ષિણ પૂર્વ એશિયાના દેશો માટે મણિપુર અને ત્રિપુરા પ્રવેશદ્વાર બનશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દક્ષિણ પૂર્વ એશિયાના દેશો માટે મણિપુર અને ત્રિપુરા પ્રવેશદ્વાર બનશે તથા આત્મનિર્ભર ભારતને મજબૂત કરશે. તેમણે મણિપુરની મહિલાઓની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ રમતગમતની દુનિયામાં ભારતને ગૌરવ અપાવશે. પ્રઘાનમંત્રીએ ઇમ્ફાલમાં 4,800 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની 22 વિકાસલક્ષી યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમાં માળખાકીય પ્રોજેક્ટ્સ, રોડ પ્રોજેક્ટ, પીવાના પાણીનો પુરવઠો, આરોગ્ય, શહેરી વિકાસ, આવાસ, માહિતી ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ, કલા અને સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત છે.
પ્રધાનમંત્રીએ ગર્વથી યાદ કર્યું કે મણિપુરે ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ આપ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મોઇરાંગ શહેર એ સ્થળ છે જ્યાંથી નેતાજી સુભાષચંદ્ર બોઝે પ્રથમ વખત ત્રિરંગો ફરકાવ્યો હતો. મણિપુર સહિત ઉત્તર પૂર્વ ક્ષેત્ર ભારતના ઝડપી વિકાસનો એક ભાગ છે. તેમણે કહ્યું કે, અગાઉના પીવાનું સલામત પાણી માત્ર 6 ટકા લોકોને મળતું હતું. હવે ભાજપ સત્તામાં આવ્યા પછી તે 60 ટકા થઈ ગયું છે, અને ટૂંક સમયમાં તે 100 ટકા સુધી પહોંચી જશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકારને કારણે જ આ ફેરફારો લાવવામાં આવી રહ્યા છે. મણિપુરને રોગચાળા સામે લડવા માટે અત્યાર સુધીમાં 30 લાખથી વધુ રસી મફતમાં આપવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ઉત્તર પૂર્વ ક્ષેત્રના પાંચ સાંસદોને કેન્દ્ર સરકારમાં મંત્રી પરિષદમાં સામેલ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કર્યો કે આઝાદીના 75મા વર્ષ નિમિત્તે આંદામાન નિકોબારના ટાપુના માઉન્ટ હેરિયટનું નામ બદલીને માઉન્ટ મણિપુર રાખવામાં આવ્યું છે. હવે હેરિટેજ સાઈટની મુલાકાત લેનારાઓને મણિપુર યાદ હશે. સરકારે 11 હજાર કરોડના ખર્ચે પામ ઓઈલ મિશન અમલમાં મૂક્યું છે અને મોટાભાગના મિશન ઉત્તરપૂર્વમાં લાગુ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિપુરામાં તમામ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ માટે બિપ્લબ કુમાર દેબ સરકારની કામગીરીની પ્રશંસા કરી. રાજ્યમાં માર્ગ, રેલવે, હવાઈ અને જળમાર્ગનાં વિશાળ વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશામાં કામ કરી રહેલી કેન્દ્ર અને રાજ્યની સરકારના કારણે આ સફળતાઓ મળી રહી છે. મહારાજા બીર બિક્રમ વિમાનમથકના નવા સંકલિત ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કર્યા બાદ તેમણે અગરતલાના સ્વામી વિવેકાનંદ મેદાન ખાતે રેલીને સંબોધિત કરી હતી. નરેન્દ્ર મોદીએ વિદ્યાજ્યોતિ શાળા યોજનાનો પણ પ્રારંભ કર્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ, વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા 100 શાળાઓને CBSE શાળાઓમાં રૂપાંતરિત કરવામાં આવશે. નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ગ્રામ સમૃદ્ધિ યોજના પણ શરૂ કરી હતી, જે અંતર્ગત રાજ્યના દરેક ગામને પીવાનું પાણી, વીજળી, રાંધણ ગેસ, ઘર અને રસ્તાઓ જેવી સુવિધાઓ મળશે. તેમણે કહ્યું કે અગરતલા-અખૌરા રેલ લિંક દ્વારા બાંગ્લાદેશ સાથે રેલ જોડાણ માટે કામ ચાલી રહ્યું છે.
