પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે કોરોના-ઓમિક્રોન સંક્રમણ અંગે કરી સમીક્ષા બેઠક
Live TV
-
વિશ્વવ્યાપી મહામારી કોરોના સંક્રમણ તથા નવો વેરિએન્ટ ઓમિક્રોનની દેશના રાજ્યોમાં પ્રવર્તમાન સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી સહભાગી થયા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી નિમિષાબહેન સુથાર તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના વરિષ્ઠ સચિવો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા તેમજ કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગોના સચિવો આ બેઠકમાં જોડાયા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામેના કારગત હથિયાર તરીકે વેક્સિનેશનની મહત્તા આપતાં રાજ્યોને વેક્સિનેશન ડ્રાઇવ અને પ્રિવેન્ટીવ કેર અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઉત્તરાયણ, લોહરી, બિહુ જેવા વિવિધ તહેવારોમાં લોકો અને પ્રશાસન બંનેની સતર્કતા-અલર્ટનેસ જળવાઇ રહે તે માટે પણ સૂચનો કર્યા હતા.
આ ઉપરાંત ટેસ્ટિંગ, હોમ આઇસોલેશન, ટેલિમેડિસીન પદ્ધતિના ઉપયોગ માટે પણ પ્રધાનમંત્રીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પરામર્શ કર્યો હતો.
