પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે કર્યો સંવાદ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે સંવાદ કર્યો છે. પ્રથમ વખત બ્લોક ચેઈન ટેક્નોલોજી થકી વર્ષ 2022 અને 2021 નાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓને ડિજિટલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર નવીનતા, સામાજિક સેવા, શૈક્ષણિક યોગ્યતા, રમતગમત, કળા- સંસ્કૃતિ અને બહાદુરી જેવી 6 કેટેગરીમાં બાળકોને તેમની અસાધારણ ઉપલબ્ધિ માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.
આ વર્ષે બાળ શક્તિ પુરસ્કારની જુદી જુદી શ્રેણીઓમાં દેશભરમાંથી 29 બાળકોની પસંદગી કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ પુરસ્કાર મેળવનાર અલગ અલગ રાજ્યોનાં બાળકો સાથે સંવાદ કરતા સૌ પ્રથમ દેશભરની દિકરીઓને રાષ્ટ્રીય બાળકન્યા દિવસની શુભેચ્છા પાઠવી હતી. ગુજરાતનાં સુરતની 13 વર્ષીય દિકરી અન્વી ઝાંઝરૂકિયાએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મેળવ્યો છે. અન્વી દિવ્યાંગ હોવાથી અનેક શારિરીક પડકારો હોવા છતાં 32 થી વધુ યોગ સ્પર્ધામાં ભાગ લઈને 21 થી વધુ પુરસ્કાર મેળવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ માધ્યમથી તમામ પુરસ્કૃત બાળકોનાં ખાતામાં એક લાખ રૂપિયાની ધનરાશી પણ એનાયત કરી હતી. પ્રધાનમંત્રીએ પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે મોટા કામ કરવા માટે કોઈ પણ ઉંમર નાની નથી હોતી. બાળકોની સફળતામાં તેમનાં માતાપિતા અને શિક્ષકોનું પણ મોટું યોગદાન છે. દેશ અત્યાર આઝાદીનાં 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આ પુરસ્કાર મેળવનાર બાળકોને પુરસ્કાર સાથે મોટી જવાબદારી પણ મળી છે.
