પ્રધાનમંત્રી મોદીએ ઈજિપ્તના વિવિધ અગ્રણીઓ અને મહાનુભાવો સાથે મુલાકાત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ઈજિપ્તની મુલાકાતે છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા પછી તેમણે ઈજિપ્તના વિવિધ અગ્રણી અને મહાનુભાવ સાથે મુલાકાત કરી હતી. જેમાં તેઓ ખાસ કરીને ઈજિપ્તના ગ્રાન્ટ મુફ્તી ડો.શૌકી ઈબ્રાહિમ આલમને મળ્યા હતાં. ગ્રાન્ડ મુફ્તીએ તેમની તાજેતરની ભારત મુલાકાતને પ્રેમપૂર્વક યાદ કરી હતી અને ભારત તથા ઇજિપ્ત વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. ગ્રાન્ડ મુફ્તીએ સર્વસમાવેશકતા અને બહુલવાદને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રીના નેતૃત્વની પણ પ્રશંસા પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ચર્ચાઓમાં સમાજમાં સામાજિક અને ધાર્મિક સંવાદિતા અને ઉગ્રવાદ અને કટ્ટરપંથીનો સામનો કરવા સંબંધિત મુદ્દાઓ કેન્દ્રીત હતાં. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત ઇજિપ્તના સામાજિક ન્યાય મંત્રાલય હેઠળ દાર-અલ-ઇફ્તા ખાતે આઇટીમાં શ્રેષ્ઠતા કેન્દ્રની સ્થાપના કરશે.
આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૈરોમાં બે અગ્રણી યુવા યોગ પ્રશિક્ષકો, સુશ્રી રીમ જબાક અને સુશ્રી નાદા એડેલ સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ યોગ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે તેમની પ્રશંસા કરી અને તેમને ભારતની મુલાકાત લેવા પ્રોત્સાહિત કર્યા હતાં. તેઓએ પ્રધાનમંત્રીને ઈજીપ્તમાં યોગ પ્રત્યેના ભારે ઉત્સાહની જાણકારી પણ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 જૂન 2023ના રોજ કૈરોમાં મિડલ ઈસ્ટ અને ઉત્તર આફ્રિકન ક્ષેત્રમાં કાર્યરત ઈજિપ્તની સૌથી મોટી કંપનીઓમાંથી એક હસન આલમ હોલ્ડિંગ કંપનીના સીઈઓ હસન આલમ સાથે બેઠક કરી હતી. તેઓએ પુનઃપ્રાપ્ય ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓ સાથે ગાઢ સહકાર બનાવવાની શક્યતાઓ પર ચર્ચા કરી હતી.
