ભારતીય યુનિવર્સિટીઓ વૈશ્વિક ઓળખ મેળવી રહી છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથી તરીકે ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેન મારફતે સમારંભ સ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેમણે દિલ્હી યુનિવર્સિટી , કોમ્પ્યુટર સેન્ટર, ટેકનોલોજી ભવન અને એકેડેમી બ્લોકનો શિલાન્યાસ કર્યો હતો.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે ભાવિ નીતિઓ અને નિર્ણયોના કારણે ભારતીય યુનિવર્સિટીઓ વૈશ્વિક ઓળખ મેળવી રહી છે. એક સમય હતો જ્યારે દિલ્હી યુનિવર્સિટીમાં માત્ર ત્રણ કોલેજો હતી, આજે તેની સંખ્યા 90થી વધુ છે. ભારત નાજુક અર્થતંત્રથી આગળ વધીને આજે તે વિશ્વની ટોચની પાંચ અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે. પ્રધાનમંત્રીએ આશા દર્શાવી કે, 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બને તેવું લક્ષ્ય છે.
વધુમાં પ્રધાનમંત્રીએ કહ્યું, દિલ્હી યુનિવર્સિટીએ એવા સમયે 100 વર્ષ પૂર્ણ કર્યા છે જ્યારે દેશ આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ કરવા પર અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. દિલ્હી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ કરતાં વધુ વિદ્યાર્થીનીઓ છે, જે જાતિગત ગુણોત્તરમાં થયેલો નોંધપાત્ર સુધારો છે. દેશભરમાં મોટી સંખ્યામાં યુનિવર્સિટીઓ અને કોલેજોની સ્થાપના કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં IIT, IIM, NIT અને AIIMS જેવી સંસ્થાઓની સંખ્યા પણ સતત વધી રહી છે. આ સમારોહમાં પ્રધાનમંત્રી દિલ્હી મેટ્રો દ્વારા યુનિવર્સિટી પહોંચ્યા હતા. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
