મહાશિવરાત્રિની પાવનપર્વે દેશભરના શિવ મંદિરમાં મહાદેવના જયકારા સાથે ભક્તોની ભીડ જામી
Live TV
-
આજે સમગ્ર દેશમાં મહાશિવરાત્રિના પર્વની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી વિવિધ શિવાલયોમાં હર હર શંભુ અને જય ભોલેનાથના જયનાદ ગૂંજી રહ્યા છે. શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ શિવાલયોમાં પૂજા અર્ચના કરવા માટે ઉમટ્યા છે.. સાથે સાથે શિવમંદિરોમાં શિવરાત્રિના દિવસે વિશેષ પ્રહર પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે આજે મહાશિવરાત્રિના પર્વે સવારે 4 વાગ્યાથી જ ભક્ત મહેરામણ ઉમટી પડ્યો હતો. આજના વિશેષ દિવસે સતત 42 કલાક ચાલનારા ધર્મોત્સવની શરૂઆત પ્રાત: કાળથી જ થઈ ગઈ હતી. સવારે સાત વાગ્યે આરતી થતા જ સોમનાથ મંદિરનું પરિસર હર હર શંભુ અને ઓમ નમ: શિવાયના જયકારથી ગૂંજી ઉઠ્યું હતું. આજે ભગવાન સોમનાથને વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા. જેના દર્શન કરીને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.
આજે સોમનાથ ખાતે દિવસ દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા અને પાલખી પૂજા પણ કરવામાં આવશે. તેમજ મંદિર પરિસરમાં પાલખીય યાત્રા તેમજ સોમનાથ યજ્ઞશાળા ખાતે હોમાત્મક લઘુરૂદ્ર પણ આયોજિત કરવામાં આવ્યો છે. મહાશિવરાત્રિના પર્વએ ભાવિક ભક્તોના ધસારાને પહોંચી વળવા મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.
દેશભરમાં મહાશિવરાત્રિની ઠેર-ઠેર ઉજવણી થઈ રહી છે ઉજ્જૈનમાં રાત્રે 2.30 વાગ્યે ભગવાન મહાકાલના કપાટ ખુલ્યા હતા. લોકો ગર્ભગૃહમાં પ્રવેશ કરી મહાકાલને અભિષેક કરી રહ્યા છે. 12 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ભગવાનને શીશ ઝુકાવશે. જ્યારે કાશીમાં પણ બાબા વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. તો ઝારખંડના બાબા બૈદ્યનાથી ધામ મંદિરમાં ભોલેનાથના દર્શના કરવા ભક્તોની ભીડ જામી છે.