માહિતી અને પ્રસારણ મંત્રાલય સામાન્ય યોગ પ્રોટોકોલ વિશે જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરશે
Live TV
-
માહિતી અને પ્રસારણ મંત્રાલય યોગાભ્યાસના ફાયદાઓ વિશે જાગૃતિ સાથે સામાન્ય યોગ પ્રોટોકોલ વિશે જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોની પ્રવૃત્તિઓનું આયોજન કરશે. માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુ અને સચિવ, આયુષ વૈદ્ય રાજેશ કોટેચાએ શુક્રવારે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 ની આઉટરીચ પ્રવૃત્તિઓ માટેની તૈયારીઓની સમીક્ષા કરી.
જાહેર સેવા પ્રસારણકર્તા, પ્રસાર ભારતી દૂરદર્શન અને આકાશવાણી નેટવર્ક દ્વારા વિવિધ કાર્યક્રમોનું પ્રસારણ કરશે. મંત્રાલયે કહ્યું કે, દૂરદર્શન વિશેષ લાઈવ મોર્નિંગ શોના પ્રસારણની સાથે યોગ નિષ્ણાતો સાથે કાર્યક્રમો અને ઈન્ટરવ્યુનું પ્રસારણ કરશે. મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ યોગા સાથે મળીને આકાશવાણી યોગને જીવનના માર્ગ તરીકે અને લોકોની એકંદર સુખાકારી માટે પ્રોત્સાહિત કરવા કાર્યક્રમોનું પ્રસારણ કરશે. આયુષ મંત્રાલયે એક યોગ ગીત તૈયાર કર્યું છે જે તમામ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવશે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે, તે અંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન સાથે ખાનગી મીડિયા સંસ્થાઓને પ્રોત્સાહિત કરવાની પહેલ ચાલુ રાખશે. યોગના સંદેશાને ફેલાવવામાં પ્રિન્ટ, ટીવી અને રેડિયોમાં મીડિયા હાઉસ અને કંપનીઓના યોગદાનને માન્યતા આપવા માટે મંત્રાલયે ગયા વર્ષે અંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માનની સ્થાપના કરી હતી.
પાયાના સ્તરે, હર આંગન યોગ પહેલ હેઠળ લગભગ બે લાખ સ્થળોને આવરી લેતી પંચાયતો, આંગણવાડી કેન્દ્રો અને શાળાઓમાં યોગ સત્રોનું આયોજન કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ - 2023 માં અનુમાનિત ભાગીદારી 23 કરોડથી વધુ હતી.
