રાજ્યસભાની 58 બેઠક માટે 23મી માર્ચે ચૂંટણી
Live TV
-
16 રાજ્યની કુલ 58 રાજ્યસભા બેઠક માટે ચૂંટણી, ઉમેદવારી પત્ર 12 માર્ચ સુધી ભરી શકાશે, 13 માર્ચે નામાંકન પત્રોની ચકાસણી હાથ ધરાશે અને 15 માર્ચ સુધીમાં પાછું ખેંચી શકાશે
રાજ્યસભામાં એપ્રિલ અને મે માસમાં ખાલી થઈ રહેલી 58 બેઠક માટે, 23મી માર્ચે ચૂંટણી યોજાવાની છે. 16 રાજ્યની કુલ 58 રાજ્યસભા બેઠક માટે ચૂંટણી થવાની છે. ત્યારે ચૂંટણી પંચે ગઇકાલે જાહેરનામુ બહાર પાડ્યું હતું. ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે રાજ્યસભા ઉમેદવારના નામને અંતીમ રૂપ આપવા 9 માર્ચે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બોલાવી છે.
મહત્વનું છે કે, 23 માર્ચે મતદાન થશે અને તે જ દિવસે મતગણતરી હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પત્ર 12 માર્ચ સુધી ભરી શકાશે, 13 માર્ચે નામાંકન પત્રોની ચકાસણી હાથ ધરાશે અને 15 માર્ચ સુધીમાં પાછું ખેંચી શકાશે. કુલ 16 રાજ્યોમાંથી રાજ્યસભાના 58 સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે. જેમાં ગુજરાતની ચાર બેઠકનો સમાવેશ થાય છે. ગુજરાતના નિવૃત્ત થઈ રહેલા સાંસદોમાં કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી, પુરૂષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા અને શંકરભાઈ વેગડનો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ, કોંગ્રેસ પક્ષના રાજ્યોમાં વધારો થતાં હવે ચારમાંથી બે બેઠકો કોંગ્રેસને મળી શકે તેમ છે. આમ ભાજપના બે અને કોંગ્રેસના બે સભ્યોની ચૂંટણી થશે તેમ મનાય છે.