રાષ્ટ્રપતિએ મહુમાં બાબાસાહેબના આદર્શો અપનાવવા કર્યો અનુરોધ
Live TV
-
બાબાસાહેબની જન્મભૂમિ પહોંચીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મધ્ય પ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલ, મુખ્યપ્રધાન શ્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય પ્રધાન શ્રી થાવરચંદ ગહલોતે પણ બાબાસાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મધ્યપ્રદેશના મહુમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરના જન્મદિને આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા દેશવાસીઓને બાબાસાહેબના આદર્શોને અપનાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણે સહુએ ભારતીય હોવાનો ગર્વ કરવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે ડૉ. આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુમાં 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. મહુ આજે ડૉ. આંબેડકર નગરના નામથી જાણીતું છે. ડૉ. આંબેડકરના મહાન વ્યક્તિત્વમાંથી પ્રેરણા લઈ શકાય છે. બાબાસાહેબે સમાન, ન્યાયપૂર્ણ અને વિકસિત ભારતના નિર્માણ માટે મોટી ભૂમિકા નિભાવી છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના પહેલા પ્રધાનમંડળમાં બાબાસાહેબ સૌથી યોગ્ય વ્યક્તિ હતા. તેમણે કહ્યું કે બાબાસાહેબે પોતાના છાત્ર જીવનમાં શિક્ષણ અને અધ્યયનને મહત્ત્વ આપ્યું હતું.
મહુમાં આયોજિત કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન થાવરચંદ ગહલોતે કૉંગ્રેસ પર બંધારણ ઘડવૈયાની ઉપેક્ષા કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે બાબાસાહેબનો સૌથી વધુ વિરોધ કૉંગ્રેસે કર્યો છે.
કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ કહ્યું હતું કે મોદી સરકારે દલિતોના ઉત્થાન માટે જેટલું કામ ચાર વર્ષમાં કર્યું છે તેટલું કૉંગ્રેસની સરકારે 60 વર્ષમાં નથી કર્યું. તેમણે કહ્યું હતું કે દલિતોના સામાજિક ઉત્થાન અને આર્થિક ઉત્થાન માટે મોદી સરકાર ગંભીર છે.