રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહીતનાં રાજનેતાઓએ દેશને નવા વર્ષની પાઠવી શુભેચ્છાઓ
Live TV
-
નવું વર્ષ 2022 આજથી શરૂ થઈ ગયું છે. દુનિયાભરનાં લોકો નવા વર્ષની એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યા છે. લોકોએ નવી આશાઓ વચ્ચે નવા વર્ષ 2022 નું સ્વાગત કર્યું. આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહીત અનેક રાજનેતાઓએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું; 'હેપ્પી 2022! આ વર્ષ દરેકનાં જીવનમાં આનંદ અને સારું સ્વાસ્થ્ય લાવે તેવી પ્રાર્થના. આપણે પ્રગતિ અને સમૃદ્ધિની નવી ઊંચાઈઓ સર કરતા રહીએ અને આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓનાં સપનાને સાકાર કરવા માટે વધુ મહેનત કરીએ.'
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરીને કહ્યું, 'દરેકને નવા વર્ષની શુભેચ્છાઓ! આવો આપણે આપણા સમાજ અને દેશની સર્વાંગી પ્રગતિનાં સંકલ્પ સાથે નવા વર્ષનું સ્વાગત કરીએ. નવું વર્ષ 2022 આપણા જીવનમાં સુખ, આરોગ્ય, સફળતા, સમૃદ્ધિ અને શાંતિ લઈને આવે એવી પ્રાર્થના.'
ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ ટ્વિટ કરીને કહ્યું, 'દેશવાસીઓને નવા વર્ષ 2022 ના આગમન પર સૌને મારી હાર્દિક શુભેચ્છાઓ. નવા વર્ષે નવી શરૂઆત કરવાનો સમય છે. જીવનમાં નવા લક્ષ્યો નક્કી કરવાનો અને નવા સંકલ્પો કરવાનો આ સમય છે. ચાલો વિચારશીલ મનુષ્ય બનવાનો સંકલ્પ કરીએ. નવું વર્ષ રાષ્ટ્ર માટે આરોગ્ય, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે તેવી આશા. હું તમને બધાને તમારા ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવું છું.'
