રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશમાં લોકતાંત્રિક પ્રક્રિયા પ્રત્યે જાગૃતિ લાવવા યુવા મતદારોને અનુરોધ કર્યો
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશમાં લોકતાંત્રિક પ્રક્રિયા પ્રત્યે જાગૃતિ લાવવા યુવા મતદારોને અનુરોધ કર્યો છે. નવી દિલ્હીમાં ચૂંટણી પંચ દ્વારા આયોજિત 13મા રાષ્ટ્રીય મતદાતા દિવસ પ્રસંગે, તેમણે જણાવ્યું હતું કે, હવે ચૂંટણી પ્રક્રિયામાં યુવાનો સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે તે લોકશાહી માટે સારો સંકેત છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, મહિલા મતદારોની સંખ્યામાં વધારો થયો છે અને ખાસ કરીને ભારતીય લોકશાહી માટે તે એક મોટી ઉપલબ્ધિ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભવિષ્યની ચૂંટણીઓમાં મહિલાઓની ભાગીદારી વધે તે માટે કામ કરવું જોઈએ. આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા 5 યુવાનોને "મતદાર કાર્ડ"નું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, મતદાતા બનવું એ એક વિશેષાધિકાર છે અને લોકોએ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો જોઈએ. તેમણે કહ્યું કે સફળ લોકશાહી પાછળ લોકો જ મહત્વનું પરિબળ છે.
મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ કરવા માટે પંચની પ્રશંસા કરતાં રિજિજુએ કહ્યું કે, દેશમાં જે રીતે ચૂંટણી પંચ કામ કરી રહ્યું છે તે વિશ્વ માટે એક મહાન ઉદાહરણ છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે ઉમેર્યું કે, લોકોનો વિશ્વાસએ પંચનો સૌથી મોટો વારસો છે, કારણ કે ચૂંટણીમાં ભાગ લેવા અને મતદારોમાં જાગૃતિ લાવવા પંચ અનુકરણીય ભૂમિકા અદા કરી રહ્યું છે. યુવા મતદારોનો લોકશાહીમાં સૌથી વધુ હિસ્સો છે અને તેઓએ ચૂંટણીમાં ભાગ લેવા આગળ આવવું જોઈએ. 25મી જાન્યુઆરી 1950ના રોજ ચૂંટણી પંચના સ્થાપના દિવસ નિમિત્તે 2011થી સમગ્ર દેશમાં દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે.
