રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોટી સંખ્યામાં આદિવાસી વિદ્યાર્થીઓ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂથોને શિક્ષણ આપવા માટે ગોંડવાના યુનિવર્સિટી, ગઢચિરોલીની પ્રશંસા કરી
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગોંડવાના યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી અને તેને મહિલા સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. તેમણે આજે ગોંડવાના યુનિવર્સિટીના 10મા દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો. રાષ્ટ્રપતિએ આશા વ્યક્ત કરી કે દિક્ષાંત સમારોહમાં ગ્રેજ્યુએશનની ડીગ્રી મેળવનારી અને ગોલ્ડ મેડલ જીતનારી મોટી સંખ્યામાં ગર્લ સ્ટુડન્ટ્સ અન્ય છોકરીઓ માટે પ્રેરણારૂપ છે. આજના કોન્વોકેશનમાં 45 ટકા સ્નાતકો અને 61 ટકાથી વધુ ગોલ્ડ મેડલ વિજેતાઓ ગર્લ સ્ટુડન્ટ્સ હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, ગોંડવાના યુનિવર્સિટી આદિવાસી અને સીમાંત વિદ્યાર્થીઓ માટે શિક્ષણ દ્વારા નવી તકો પૂરી પાડી રહી છે. તેમણે કહ્યું કે યુનિવર્સિટી વન સંસાધનો, ખનિજ સંસાધનો, આદિવાસી સમુદાયની કલા, સ્થાનિક કલા અને પ્રદેશની સંસ્કૃતિના વિકાસ અને સંરક્ષણ માટે કામ કરી રહી છે. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સ્થિત ગોંડવાના યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, યુનિવર્સિટીના કુલપતિ ડૉ.પ્રશાંત બકરે ઉપસ્થિત રહ્યા હતા.
દીક્ષાંત સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે,ગોંડવાના યુનિવર્સિટીમાં અનુભવી શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે વાંસની હસ્તકલા, વન વ્યવસ્થાપન જેવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે યુનિવર્સિટીમાં આદિજાતિ સંશોધન કેન્દ્ર કાર્યરત છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે મોટી સંખ્યામાં આદિવાસી જિલ્લાઓને મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ જિલ્લાઓના વિકાસ માટે સામૂહિક પ્રયાસો જરૂરી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ વર્ચ્યુઅલ માધ્યમથી અલ્લાપલ્લી ખાતે ગોંડવાના યુનિવર્સિટીના વહીવટી ભવનનો શિલાન્યાસ પણ કર્યો હતો.
