રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ 'મુઘલ ગાર્ડન' હવે 'અમૃત ઉદ્યાન' તરીકે ઓળખાશે
Live TV
-
કેન્દ્ર સરકારે શનિવારે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં આવેલા 'મુગલ ગાર્ડન'નું નામ બદલીને 'અમૃત ઉદ્યાન' કર્યું. ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે 'અમૃત મહોત્સવ'ની થીમને અનુરૂપ કેન્દ્ર સરકારે 'મુગલ ગાર્ડન' નું નામ બદલીને 'અમૃત ઉદ્યાન' રાખ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી નાવિકા ગુપ્તાએ જણાવ્યું હતું કે, "આઝાદી કા અમૃત મહોત્સવ" તરીકે આઝાદીના 75 વર્ષની ઉજવણીના અવસર પર ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનના બગીચાને 'અમૃત ઉદ્યાન' તરીકે સામાન્ય નામ આપ્યું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 29 જાન્યુઆરી રવિવારના રોજ 'અમૃત ઉદ્યાન' સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. તે 31 જાન્યુઆરીથી 26 માર્ચ સુધી બે મહિના માટે ખુલ્લું રહેશે. ઉદ્યાન ખુલવાનો સમય સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધીનો રહેશે. તે 28 માર્ચે ખેડૂતો માટે, 29 માર્ચે દિવ્યાંગો માટે અને 30 માર્ચે પોલીસ અને સેના માટે ખોલવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવનનું 'અમૃત ઉદ્યાન' પ્રવાસીઓ માટે આકર્ષણનું મોટું કેન્દ્ર છે. આ ગાર્ડનમાં લોકો ટ્યૂલિપ્સ અને ગુલાબની વિવિધ પ્રજાતિઓના ફૂલો જોવા માટે આવે છે. અહીં બ્રિટિશ અને મુઘલ બંને ગાર્ડનની ઝલક જોવા મળે છે. એડવિન લ્યુટિયન્સે આ ગાર્ડન બનાવવા માટે સૌ પ્રથમ દેશ-વિદેશના ગાર્ડનોનો અભ્યાસ કર્યો હતો. આ બગીચામાં રોપા વાવવામાં એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો.
