રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને 75મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી
Live TV
-
સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 75મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. આ ઉપરાંત આજના દિવસને શહીદ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર નમન કર્યા અને તેમના વિચારોને યાદ કર્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, આવાસ અને શહેરી મંત્રી હરદીપસિંહ પુરી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 30 જાન્યુઆરી 1948એ મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી.
આ ઉપરાંત આજે શહીદ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રની સેવામાં બલિદાન આપનાર શહીદોને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. દેશભરમાં સવારે 11 વાગ્યે બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું.
