લોકસભા ચૂંટણી: બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં
Live TV
-
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં પ્રચારની કમાન સંભાળી હતી. તેમણે જાલોરમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા શાબ્દિક વાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ એ અસ્થિરતાનું પ્રતીક છે અને આજે કોંગ્રેસની જે દશા છે તેના માટે કોંગ્રેસ પોતે જ જવાબદાર છે. તો આદિવાસી બહુલ વિસ્તાર બાંસવાડામાં પણ ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે સરકારે આદિવાસીઓની સમસ્યાઓને પારખી છે. બાંસવાડામાં પોણા ચાર લાખ પરિવારોને નળથી જળની સુવિધા પ્રાપ્ત થઈ છે. તેમજ બાંસવાડા અને ડુંગરપુરમાં બહેનોને ગેસની સુવિધા મળી છે.
બીજા તબક્કાના પ્રચાર માટે ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહે બિહારના કટિહારમાં જનસભાને સંબોધિત કરી હતી. તેમણે ઇન્ડિ ગઠબંધન ઉપર આકરા વાર કરતા કહ્યું હતું કે, ઇન્ડિ ગઠબંધન બિહારને લાલટેન યુગમાં પાછું લઇ જવા માંગે છે જયારે ભાજપે અહીના લોકોને વિકાસની પરિભાષા સમજાવી છે.
તો બીજી તરફ વિપક્ષે પણ આક્રમક પ્રચારની રણનીતી અપનાવી છે. વિપક્ષી ઇન્ડિ ગઠબંધનના સાથી પક્ષો રાંચીમાં ઉલગુલન ન્યાય મહારેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, આપ નેતા સંજયસિંહ અને અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનિતા કેજરીવાલ, ક્લ્પના સોરેને રેલીમાં હાજર રહીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. અખિલેશ યાદવે રેલીને સંબોધતા કહ્યું હતું કે પ્રથમ તબક્કાના મતદાનથી જ ખબર પડે છે કે ભાજપનો સફાયો થવાનો છે. તો આપના સાંસદ સંજય સિંહે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે આ પક્ષ દેશનું બંધારણ બદલવા માંગે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ભાજપ પર આકરા વાર કર્યા હતા. જોકે રેલીમાં આવેલા આરજેડી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સભામંડપમાં અંદરોઅંદર બાખડ્યા હતા અને મારપીટ પણ કરી હતી. તો ભાજપે આ રેલીને ભ્રષ્ટાચારીઓની રેલી ગણાવી હતી.