સરહદ પર તણાવને લઇને પ્રધાનમંત્રી મોદીએ બોલાવી સર્વદળીય બેઠક
Live TV
-
તમામ પક્ષોને પ્રધાનમંત્રી આપશે સરહદની હાલની સ્થિતિની માહિતી.સાંજે પાંચ વાગે વિડિયો કોન્ફરન્સિંગથી યોજાશે બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત-ચીન સીમા સ્થિતિ પર ચર્ચા માટે એક સર્વદળીય બેઠક બોલાવી છે. સાંજે પાંચ કલાકે યોજાનારી આ બેઠકમાં, દેશના વિવિધ રાજકીય પક્ષોના અધ્યક્ષોને આમંત્રિત કરવામાં આવ્યાં છે. તમામ રાજકીય દળના અધ્યક્ષ વર્ચ્યુલ રીતે કે, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં લદ્દાખ સાથે જોડાયેલી ચીનની સીમા પર સ્થિતિ અને ખાસ તો ગલવાન ઘાટીમાં વર્તમાન સ્થિતિની ચર્ચા કરવામાં આવશે.
ગલવાન ઘાટીમાં 15 અને 16 જૂનની રાતે ભારતીય સેનાના 20 જવાન માતૃભૂમિની રક્ષા કરતાં શહીદ થયાં હતાં., જો કે, સામે વળતો જવાબ આપતા દેશના જવાનોએ ચીનના સૈનિકોને ભારે ક્ષતિ પણ પહોંચાડી હતી. જેમાં મોટી સંખ્યામાં ચીનના સૈનિકો પણ મોતને ભેટ્યા હતાં.
આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, શહીદ સૈનિકોનું બલિદાન વ્યર્થ નહીં જાય અને ચીનને કડક ભાષામાં જવાબ આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ પણ જણાવ્યું હતું કે, ભારત શાંતિ ઈચ્છે છે. પરંતુ ભારતને ઉકસાવવા પર નિર્ણાયક જવાબ પણ આપવામાં આવશે. પીએમ મોદીએ વિશ્વાસ અપાવ્યો હતો કે, ભારત પોતાની અખંડતા અને સંપ્રભુતાની રક્ષા કરવા માટે દરેક પરસ્થિતિમાં સક્ષમ છે. આજે યોજાનારી બેઠકમાં પ્રધાનમંત્રી આ સંવેદનશીલ મુદ્દા પર રાજકીય દળોના નેતાઓને જાણકારી આપશે જ પરંતુ આગળની રણનીતિ પર પણ ચર્ચા કરી શકે છે.
