સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં પ્રતિભાશાળી યુવાનો સાથે પીએમ મોદીનો સંવાદ
Live TV
-
વિશ્વના સૌથી વિશાળ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનો સાથે સંવાદ સાધ્યો હતો. દેશના 28 કેન્દ્રોમાં હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. હેકાથોનના ગ્રાન્ડ ફિનાલેમાં દેશભરના 6 હજાર વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. તેમણે 340 જેટલી જુદી જુદી સમસ્યાઓનો ડિજિટલ ઉકેલ શોધવા માટે પ્રયાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તેમની સાથે સંવાદ સાધ્યો હતો.
પીએમ મોદીએ યુવાનોને સફળતાનો મંત્ર આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે, જો કોઈ સરકાર એવું માનતી હોય કે દરેક સમસ્યાનો ઉકેલ માત્ર તેમની પાસે છે તો એ સરકારની માન્યતા ખોટી છે. પીએમ એ દેશના યુવાનોની ક્ષમતાને બિરદાવતા જણાવ્યું હતું કે, યુવાનોની ઊર્જાને જોતા ન્યૂ ઇન્ડિયાનું સ્વપ્ન વધુ મજબુત બન્યું છે.
તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, ગત વર્ષે હેકાથોનમાં 60 યોજનાઓને લઈને કામ શરુ થયું હતું. જેમાંથી અડધી યોજનાઓ પર કામ પૂર્ણ થઈ ચૂક્યું છે તથા બાકીની યોજનાઓ પર આગામી 2-3 મહિનામાં કાર્ય પૂર્ણ થઈ જશે. પીએમ મોદીએ ઇનોવેશનને સતત ચાલતી પ્રક્રિયા ગણાવી છે.
સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન માટે દેશની વિવિધ સંસ્થાના એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને MCA કોર્સના એક લાખ પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. તેમાંથી આઠ હજારની પસંદગી ગ્રાન્ડ ફિનાલે માટે કરાઈ હતી. હેકાથોનમાં આ વર્ષે સોફટવેરની સાથે હાર્ડવેરની સ્પર્ધા થશે. હાર્ડવેર હેકાથોનનું આયોજન જૂનમાં થશે.