આઈઆઈટી ગાંધીનગરના ગણિતશાસ્ત્રીએ પ્રતિષ્ઠિત ગેબર ઝેબો પ્રાઈઝ ૨૦૨૧ જીત્યુ
Live TV
-
આઈઆઈટી ગાંધીનગરના પ્રોફેસર અતુલ દિક્ષિતને ખાસ કરીને શ્રીનિવાસ રામાનુજનના કાર્યને સંદર્ભમાં લઈને સ્પેશિયલ ફંક્શન્સના ઉપયોગથી નંબર થિયરીમાં તેમના વૈજ્ઞાનિક કાર્ય બદલ પ્રતિષ્ઠિત ગેબર ઝેબો પ્રાઈઝ ૨૦૨૧ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.
એક નોંધપાત્ર સિદ્ધિમાં, ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (IIT ગાંધીનગર)ના ગણિતના સહાયક પ્રોફેસર અતુલ દિક્ષિત, સોસાયટી ફોર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ એપ્લાઇડ મેથેમેટિક્સ (SIAM/સિઆમ), યુ.એસ.એ. દ્વારા આપવામાં આવેતા પ્રતિષ્ઠિત ગેબર ઝેબો પ્રાઇઝ 2021 જીતનાર પ્રથમ ભારતીય ગણિતશાસ્ત્રી બન્યા છે.
ધ સિઆમ એક્ટિવીટી ગ્રૂપ ઓન ઓર્થોગોનલ પોલિનોમિયલ્સ એન્ડ સ્પેશ્યલ ફંક્શન્સ (SIAG/OPSF) ઓર્થોગોનલ પોલિનોમિયલ્સ એન્ડ સ્પેશ્યલ ફંક્શન્સના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સંશોધન યોગદાન માટે દર બે વર્ષે કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં હોય તેવા એક સંશોધનકર્તાને ગેબર ઝેબો પ્રાઇઝ આપે છે. પહેલીવાર આ એવોર્ડ કોઈ ભારતીય ગણિતશાસ્ત્રીને આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રામાનુજનના કાર્યને સંદર્ભમાં લઈને સ્પેશિયલ ફંક્શન્સનો ઉપયોગ કરીને નંબર થિયરીને લગતી સમસ્યાઓના ઉકેલ માટે પ્રોફેસર અતુલ દિક્ષિતના પ્રભાવશાળી વૈજ્ઞાનિક કાર્ય માટે તેમની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.
આ એવોર્ડમાં પ્રશસ્તિપત્ર સાથેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ એવોર્ડ પહેલા ઓર્થોગોનલ પોલિનોમિયલ્સ, સ્પેશ્યલ ફંક્શન્સ એન્ડ એપ્લિકેશન્સ (OPSFA16) 2021ના આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમમાં એનાયત થવાનો હતો. જો કે, કોવિડ-19 રોગચાળાની હાલની વૈશ્વિક પરિસ્થિતિને લીધે, આ સમારોહ જુલાઈ 2021ને બદલે જુલાઈ 2022માં યોજવામાં આવશે. એવોર્ડના ભાગ રૂપે, પ્રોફેસર અતુલ દિક્ષિતને કેનેડાની યુનિવર્સિટી ડી મોન્ટ્રીયલના સેન્ટર ડી રિચર્સ મેથેમેટીકસ (સીઆરએમ) ખાતે યોજાનાર પ્રતિષ્ઠિત કાર્યક્રમ OPSFA16માં સમાપન સત્રમાં વ્યાખ્યાન આપવા માટે આમંત્રિત કરવામાં આવશે.
આ એવોર્ડ અંગે પોતાના વિચારો શેર કરતાં પ્રોફેસર અતુલ દિક્ષિતે કહ્યું, “હું એ જાણીને ઘણા આભારની લાગણી અનુભવું છું કે ઓર્થોગોનલ પોલિનોમિયલ્સ એન્ડ સ્પેશિયલ ફંક્શન્સ પરના સિઆમ એક્ટિવીટી ગ્રૂપે ગેબર ઝેબો પ્રાઈઝ 2021 માટે મને પસંદ કર્યો છે. મારા કાર્યની આ સન્માન બદલ હું સિઆમ પ્રાઈઝ કમિટી અને સિઆમનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારા માટે ભલામણ પત્ર લખનાર પ્રોફેસરો બ્રુસ બર્ન્ટ અને નિકો ટેમ્મે નો પણ મારા કાર્યમાં વિશ્વાસ રાખવા બદલ આભાર માનું છું. આ સન્માનથી પહેલાં કરતાં વધુ સારા સંશોધન કરવાની જવાબદારી મારા પર આવી છે, અને હું સિઆમ અને અન્ય શુભેચ્છકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાની આશા રાખું છું.”