આદિવાસી સમાજ માટે હોળી મહાપર્વ
Live TV
-
સમગ્ર ગુજરાત અને દેશમાં હોળીનું પર્વ એટલે રંગોનું અને આસુરી શક્તિ પર વિજયનું પર્વ, વલસાડ જિલ્લામાં વસતા આદિવાસી સમાજ માટે હોળી મહાપર્વ છે. અને હોળીના ઉત્સવની ઉજવણી બાદ સમાજમાં માંગલીક પ્રસંગોની શરુઆત સાથે ખેત પેદાશની સારી ઉપજ લેવાનું પર્વ મનાય છે અને એટલે જ આદિવાસીઓની હોળી પણ અનોખી હોળી છે.
વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુરમાં વસતા આદિવાસી સમાજ માટે હાલ ઉત્સવોના મહાઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે હોળીના સપ્તાહ પહેલાથી આદિવાસી સમાજમાં હોળીની તૈયારીઓ શરુ થઇ જાય છે અને હોળીના દિવસે તુર અને કાંસળીના સંગીતે નાચગાન કરી હોળીમાતાને પ્રગટાવી પૂજા કરે છે. આ અંગે કપરાડા તાલુકાના નાનાપોંઢા ગાંમે આવી જ આદિવાસી પરંપરાના તાણાવાણા સાથે હોળીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.
હોળીના દિવસે ગામના તમામ લોકો એકઠા થાય છે નાચ ગાન કરે છે જે દરમ્યાન ગામના વડીલ સાંગની બે ડાળીને તોરણ બાંધી ચોખા, કંકુ, અબીલ, ગુલાલથી, પુજા કરી મહુડાના બી માથી બનેલા મદિરાનું ધરતીમાતાને અર્દ્ય આપી હોળી પ્રગટાવવા માટે આશીષ માંગે છે જે બાદ હોળીને પ્રગટાવવામાં આવે છે. અને ગામના લોકો તેની પ્રદક્ષિણા કરે છે.
હોળીને જ્યારે પ્રગટાવવામાં આવે છે ત્યારે ગાંમના તમામ લોકો સાથે લાવેલા નારીયેળ હોળીમાં નાખે છે. હોળીની વચ્ચો વચ્ચ વાંસની મોટી ડાળ રાખવામાં આવે છે જેમાં પાપડી કહેવાતુ ધાન્ય બંધાય છે, પ્રગટેલી હોળીની જ્વાળા અને વાંસની ડાળખી ઉત્તર દિશા તરફ નિચે પડે એટલે વર્ષ સારુ જવાની માન્યતા છે. હોળીમાંથી ચાર નારીયેળ ગામના વડીલ દ્વારા બહાર કઢાય છે અને તે નારીયેળ વર્ષ દરમ્યાન સારા પાક માટે સમાજના આરોગ્ય માટે પશુઓના આરોગ્ય માટે વર્ષ દરમ્યાન થતા હવનમાં હોમવામાં આવે છે.
વલસાડના કપરાડા ધરમપુરમા આદિવાસીઓ હોળીના તહેવાર બાદ દિકરા દિકરીના માંગલીક પ્રસંગોનું આયોજન કરે છે. ખેતરમાં સારો પાક થાય, પરિવારમાં સમાજમાં સુખશાંતી રહે તે માટે હોળીમાતા પાસે આશિર્વાદ માંગે છે. એટલે જ આદિકાળથી વસતા આદિવાસી સમાજમાં હોળીના ઉત્સવને મહાઉત્સવ માનાય છે અને અન્ય પ્રદેશો કરતા નોખી અનોખી પરંપરાથી હોળી પર્વની ઉજવણી કરે છે.