મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે ખાદીની ખરીદી પર મળશે 20% વળતર
Live TV
-
ખાદી અને પોલીવસ્ત્રના છૂટક વેચાણ ઉપર 20 ટકા વિશેષ વળતરની જાહેરાત
દેશભરમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી પર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે..ત્યારે ગાંધીજીને પ્રિય એવા ખાદીવસ્ત્રોને લઈને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે..ખાદી અને ખાદીના વસ્ત્રોને પ્રોત્સાહન મળે તે માટે આગામી 2 ઓકટોબર 2019થી 31 ડિસેમ્બર 2019 દરમિયાન ખાદી અને પોલીવસ્ત્રના છૂટક વેચાણ ઉપર 20 ટકા વિશેષ વળતરની જાહેરાત કરવામાં આવી છે. ખાદી ખરીદી પ્રત્યે આકર્ષણ તેમજ રાજ્યમાં ખાદી વણાટ સાથે સંકળાયેલા પરિવારોને વધુ રોજગારી મળે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
મહાત્મા ગાંધીજીએ ખાદીને એક વસ્ત્ર નહિ, વિચાર તરીકે સમાજ સમક્ષ પ્રસ્તુત કરી ગ્રામીણ પરિવારો-કારીગરોને રોજગારીથી આર્થિક સક્ષમતાનો જે માર્ગ કંડાર્યો છે. તેમાં આ વિશેષ વળતર-પ્રોત્સાહન આપવાનો મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય સુસંગત બની રહેવાનો છે. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર ગુજરાત રાજ્યમાં જ ઉત્પાદિત ખાદી અને પોલીવસ્ત્રનું ગ્રાહકોને સીધું છૂટક વેચાણ કરતી માન્ય સંસ્થાઓ કે મંડળીઓએ ગ્રાહકોને ર૦ ટકાનું વિશેષ વળતર બજાર પ્રોત્સાહન સહાય આપવાનું રહેશે.એટલું જ નહિ, આવી સંસ્થાઓને આના પરિણામે જે રકમ મળે તેમાંથી પ ટકા સહાય ખાદી વણાટ-કાંતણ કરનારા કારીગરોને ઉપલબ્ધ કરાવાશે. ગુજરાતમાં ખાદીની કામગીરી સાથે સંકળાયેલી 165 જેટલી સંસ્થાઓ દ્વારા ખાદી તેમજ પોલીવસ્ત્રનું લગભગ રૂ. ૧૩૬ કરોડ જેટલું છૂટક વેચાણ થવાનો અંદાજ છે. ર૦૧૯-ર૦ના આ નાણાંકીય વર્ષમાં ૧૯ હજાર જેટલા ખાદી વણાટ-કાંતણ કારીગરોને આ યોજનાનો લાભ મળવાનો છે.