મહેસાણા પાલિકા વિસ્તારમાં સ્વચ્છતા માટે સીસીટીવી કેમેરાથી મોનિટરીંગ
Live TV
-
કચરો નાખતા પકડાશે તો દંડ, ટેકનોલોજીના ઉપયોગના કારણે લોકો કચરો નાખતા બંધ થયા
મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં વાહનો દ્વારા ભીના અને સૂકા કચરાનું કલેક્શન કરવામાં આવતું હોવા છતાં પણ કેટલાંક પોઈન્ટ પર નાગરીકો કચરો ફેંકી જતા હોવાનું જાણવા મળ્યુ હતું. તેથી પાલિકાના સેનેટરી વિભાગે તેવા પોઈન્ટ પર સીસીટીવી કેમેરા ગોઠવીને તેવા સ્થળનું પાલિકાની કચેરીમાંથી જ મોનીટરીંગ કરવાનો નિર્ણય કરાયો હતો. તેના ભાગરૂપે હાલમાં શહેરનાં આશીર્વાદ ફ્લેટ, હૈદરી ચોક પાસે મોડલ સ્કુલની સામે, બહેરા મૂંગા શાળા નજીક, સાકાભાઈ કોમ્પલેક્ષની પાછળના ભાગે અને મગપુરા પ્રાથમિક શાળા પાસેના પોઈન્ટ પર સીસીટીવી ગોઠવવામાં આવ્યા હતા. આ પોઈન્ટ પર પાલિકા દ્વારા સફાઈ કર્યા બાદ કોણ કચરો ફેંકી જાય છે તે અંગે મોનીટરીંગ શરૂ કરાયુ હતું.જેમાં મોટાભાગે વેપારીઓ દ્વારા કચરો ફેંકવામાં આવતો હોવાનું તપાસમાં બહાર આવ્યુ હતું. તેવા વેપારીઓને કચરો ફેંકતા રંગેહાથ પકડીને દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. જેના પરિણામે નાગરીકો અને વેપારીઓ કચરો ફેંકતા બંધ થઈ ગયા હતા. શહેરમાં આવા ૪૦ પોઈન્ટ પર સીસીટીવી કેમેરા ગોઠવ્યા બાદ નાગરીકો કચરો ફેંકતાં બંધ થયા હોવાનો સેનેટરી વિભાગનાં સૂત્રોએ દાવો કર્યો હતો. જ્યારે સાંકાભાઈ કોમ્પલેક્ષની પાછળનાં ભાગે ફેંકવામાં આવતા કચરા મામલે પાલિકાએ મેઘરથ કોમ્પલેક્ષના ૨૯ અને સાકાભાઈ કોમ્પલેક્ષનાં ૩૪ વેપારીઓને લેખિત નોટિસ ફટકારતાં હાલમાં જાહેરમાં કચરો ફેંકવાનું બંધ કરાયુ છે. જેના પરિણામે કાયમી થતી ગંદકી દૂર થઈ ગઈ છે. મહેસાણા નગર પાલિકા ના ચીફ ઓફિસર જિગર પટેલે જણાવ્યું હતું કે અમારી નગરપાલિકા દ્વારા આ સીસીટીવી કેમેરા દ્વારા વોચ રાખવામાં આવતા જે લોકો કચરા નાખતા પકડાયા તેમને દંડ કરવામાં આવ્યો છે અને હવે ફક્ત બે જ જગ્યાએ કચરો નાખવાની ફરિયાદ છે જે આ ટેક્નોલોજીના ઉપયોગ ને કારણે બંધ થઈ જશે