વિધાનસભા ગૃહમાં બજેટ સત્રના અંતિમ દિવસે કેગનો રિપોર્ટ રજુ કરાયો
Live TV
-
વિધાનસભા ગૃહમાં બજેટ સત્રના અંતિમ દિવસે સરકારની કામગીરીના લેખા જોખા દર્શાવતા કેગનો રિપોર્ટ રજુ કરવામાં આવ્યો
વિધાનસભા ગૃહમાં બજેટ સત્રના અંતિમ દિવસે સરકારની કામગીરીના લેખા જોખા દર્શાવતા કેગનો રિપોર્ટ રજુ કરવામાં આવ્યો. જેમાં રાજ્ય સરકારના જાહેર સાહસો અંગે રિપોર્ટ રજૂ કરાયો હતો. જેમાં 54 જાહેર સાહસોમાં 3647 કરોડનો નફો થયો છે, જ્યારે સામે 14 જાહેર સાહસોમાં 18,142 કરોડની ખોટ થઈ છે. કેગના અહેવાલમાં રાજ્ય સરકારના સબ રજિસ્ટ્રારની 103 કેસમાં 99.98 કરોડની વસૂલાતમાં અનિયમિતતા સામે આવી છે. કેગના આર્થિક ક્ષેત્ર પરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર 12મી પંચવર્ષીય યોજનામાં કલ્પના કરેલા 9 નવા બંદરોના બાંધકામના કામોમાં વિભાગ નિષ્ફળ જવાના લીધે માછીમારોને સવલતો આપવાથી વંચિત રખાયા. ગુજરાત સરકારે માછીમારી પ્રતિબંધ સમય ગાળો અપનાવતું કોઈ જાહેરનામું ધારા ધોરણ સાથે જારી કર્યુ નથી. ગુજરાત ફિશરીઝ વિભાગમાં 51 ટકા જગ્યા ખાલી છે. સરકારને 22 હજાર 89 કરોડનું જે અનુદાન કરાયું હતું, જો કે 22 હજાર 357 કરોડનો ખર્ચ કર્યો છે. આ ખર્ચ વધારાનો છે તેવું ઓડિટના અહેવાલમાં કહેવાયું છે.
વિધાનસભાના બજેટ સત્રના આજે અંતિમ દિવસે કૉંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની દરખાસ્ત મુદ્દે પ્રશ્ન પૂછતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ , લેખિત જવાબ આપ્યો હતો કે છેલ્લાં બે વર્ષમાં રાજ્ય સરકારે આ અંગે કોઈ દરખાસ્ત કેન્દ્રને મોકલી નથી. જ્યારે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદમાં ઇ-ચલણ ફરી શરૂ થશે તે અંગે માહિતી આપતા કહ્યું હતું કે સીસીટીવી અપગ્રેડ કરાતાં 15 એપ્રિલથી ઇ-ચલણ ફરીથી શરૂ કરાશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગઈકાલે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે જૂન 2018થી શરૂ થતા શૈક્ષણિક સત્રથી, ગુજરાતી વિષય ફરજિયાત બનાવાશે.