23 ફેબ્રુઆરીના સાંજના સાત વાગ્યાના સમાચાર વિગતે
Live TV
-
વર્ષમાં 70 હજાર યુવાનોને સરકારી નોકરી આપ્યાનો રાજ્ય સરકારનો દાવો - સમગ્ર દેશમાં આટલી મોટી સંખ્યામાં પારદર્શિતાથી ભરતી કરનાર ગુજરાત રાજ્ય અગ્રેસર - બજેટ દરમિયાન રોજગારી આપવાના લક્ષ્યાંક પર આગળ વધી સરકાર
હેડલાઈન્સ
1. વર્ષમાં 70 હજાર યુવાનોને સરકારી નોકરી આપ્યાનો રાજ્ય સરકારનો દાવો - સમગ્ર દેશમાં આટલી મોટી સંખ્યામાં પારદર્શિતાથી ભરતી કરનાર ગુજરાત રાજ્ય અગ્રેસર - બજેટ દરમિયાન રોજગારી આપવાના લક્ષ્યાંક પર આગળ વધી સરકાર
2 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ ખાતે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમનું કર્યું ઉદ્ઘાટન - ડ્રેનેજ વોટર ,વેસ્ટ કલેક્શન, ટ્રાફિક સમસ્યા તેમજ નાગરિકોની સુરક્ષા થશે વધુ સુનિશ્ચિત
3 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખેડામાં થઇ ભાજપની જીત - તો બનાસકાંઠામાં કોંગ્રેસે મારી બાજી - તાલુકા પંચાયતની બે બેઠકો પર થઇ ટાઈ - સાત બેઠો પર કોંગ્રેસની તો 8 બેઠકો પર ભાજપની જીત - ખેડા જિલ્લામાં ભાજપ સરકાર યથાવત.
4 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દીવ દમણની મુલાકાતે - દમણમાં અનેક વિકાસ યોજનાઓનો કરાવશે શુભારંભ - દમણ અને દીવ વચ્ચે પવનહંસ હેલીકૉપટર સેવા થશે શરુ - દીવ-અમદાવાદ વિમાન સેવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે શુભારંભ
5 નિરવ મોદીની કંપની સીઝ થતા સુરતમાં કર્મચારીઓ થયા બેરોજગાર - રસ્તા પર વિરોધ પ્રદર્શન - નીરવ મોદી સમૂહના 44 કરોડ રૂપિયાની બૅંક ખાતાની લેવડ દેવડ પર લગાવાઈ રોક
6. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી તેમજ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડો વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત - બંને દેશો વચ્ચે સિક્યુરીટી, એજ્યુકેશન, બિઝનેસ, આતંકવાદ અને ઉર્જા સેક્ટરમાં મદદ વધારવા થયા 6 કરાર પર હસ્તાક્ષર
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોનું આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિધિવત સ્વાગત કરવામાં આવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ જ્યારથી દેશનો કાર્યભાર સંભાળ્યો છે, ત્યારથી તેમણે વિશ્વના વિવિધ દેશો સાથે પોતાની મૈત્રી વધારવા તેમજ ભારતને વૈશ્વિક સ્તરે ઉચ્ચ ખ્યાતિ અપાવવા સતત પ્રયત્નશીલ રહ્યા છે. આવા જ એક હેતુસર, કેનેડાના પ્રધાનમંત્રી પોતાના પરિવાર સાથે હાલ ભારતની મુલાકાતે છે.
ભારતના પ્રવાસે આવેલા કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોનું આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિધિવત સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય અધિકારીઓ દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરીને હસ્તધુનન કર્યું હતું. ત્યારે બાદ તેમને ગાર્ડઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેનેડાના પ્રધાનમંત્રી સાથે ,પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. બન્ને નેતા પરસ્પર હિતના મુદ્દે ચર્ચા કરશે. ત્યારબાદ વિવિધ ક્ષેત્રે હસ્તાક્ષર થઇ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ,કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડો અને તેના પરિવાર અંગે ટ્વીટ કર્યું હતું. ટ્વીટમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે ,મને આશા છે કે પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડો અને તેમના પરિવારનો પ્રવાસ સુખદ રહ્યો હશે. હું ખાસ તેમના બાળકો ઝેવીયર, એલાગ્રેસ અને હેડ્રિનને મળવા ઉત્સુક છું. તેમણે 2015માં કેનેડાના પ્રવાસ દરમિયાનની તસવીરને યાદ કરી હતી.
દરમ્યાન ભારતના પ્રવાસે આવેલા કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોએ ગઇકાલે તેનેડા ભારત કારોબાર મંચ બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે ભારતીય ઉદ્યોગોને બન્ને દેશના હિતમાં વેપાર અને રોકાણ વધારવા ઉપર જોર આપ્યું હતું. ટ્રુડોએ કહ્યું કે તેમના ભારત પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે એક અરબ ડોલરથી વધુનું રોકાણ થયું છે. બન્ને દેશ લોકશાહી પ્રમાણે ચાલવા પ્રતિબધ્ધ છે.
ખાલીસ્તાની આતંકવાદી જસપાલ અટવાલને કેનેડાના પ્રધાનમંત્રીના સત્તાવાર કાર્યક્રમમાં નિમંત્રણ અંગે ટ્રુડોએ કહ્યું હતું કે આ મામલો તેમની સરકાર ગંભીરતાથી લઇ રહી છે અને આ નિમંત્રણ આપવું અયોગ્ય હતું. તેથી નિમંત્રણ રદ્દ કરાયું હતું. પ્રધાનમંત્રી કાર્યાલયે સ્પષ્ટ કર્યું હતું કે અટવાલ પ્રધાનમંત્રીના દળનો સભ્ય ન હતા અને વ્યક્તિગત રીતે ભારતના પ્રવાસે હતા.
PNB ગોટાળાના આરોપી નીરવ મોદી પર સરકારી શોધ એજન્સીઓનો ફંદો
PNB ગોટાળાના આરોપી નીરવ મોદી પર સરકારી શોધ એજન્સીઓનો ફંદો, દિવસેને દિવસે કસાતો જઇ રહ્યો છે. આજે નિરવ મોદી સમૂહના, લગભગ 44 કરોડ રૂપિયા બેન્ક ખાતા તેમજ શેરોની લેવડદેવડ પર રોક લગાવવામાં આવી છે. મોટી સંખ્યામાં વિદેશી ઘડિયાળો તેમજ 158 ડબ્બાઓ તેમજ અન્ય પ્લાસ્ટીક કન્ટેનર જપ્ત કર્યા છે. ઇડીએ કાલે નવ મોંઘી કારો જપ્ત કરી લીધી છે, તેની સાથે જ, નીરવ મોદીના 7 કરોડ 80 લાખ અને મેહુલ ચોક્સી ગ્રુપના 86 કરોડ 72 લાખ મ્યુચ્યુઅલ ફંડને ફ્રીઝ કરી દેવાયા છે. સીબીઆઇએ કાલે મુંબઇ નજીકના અલીબાગના નિરવમોદીના ફાર્મ હાઉસ પર છાપો માર્યો હતો. આ વચ્ચે પીએનબીએ કહ્યું કે તેમની પાસે દેવું પુરૂ કરવા માટે પૂરતી સંપત્તિ છે. બેન્કે પોતાની રેગ્યુલેટરી ફાઇલમાં કહ્યું છે કે નિરવ મોદી અને મેહુલ ચોક્સી પાસેથી વસુલાત કરવા માટેના તમામ બંધારણીય રસ્તા અપનાવ્યા છે. Return to index of stories...
ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યપાલ ઓ.પી.કોહલીનાં પ્રવચન
ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યપાલ ઓ.પી.કોહલીનાં પ્રવચન ઉપર આભાર પ્રસ્તાવની ચર્ચાનો અંતિમ દિવસ હતો. જેમાં વિરોધપક્ષના ધારાસભ્યોએ રાજ્યપાલનાં પ્રવચનની ટીકા કરી હતી. જ્યારે સત્તાધારી ભાજપનાં ધારાસભ્યોએ આ પ્રવચનને અનુમોદન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રશ્નોત્તરીમાં દરમ્યાનગીરી કરીને જણાવ્યું હતું કે દેશમાં ગુજરાત જ એક માત્ર એવું રાજ્ય છે, જેણે 80 હજાર શિક્ષકોની ભરતી કરી છે. અધ્યક્ષે વિધાનસભાની કાર્યવાહીનું વિડિયો રેકોર્ડિંગ કરતા બે ધારાસભ્યોને ચેતવણી આપી હતી કે તેમની સામે પગલાં લેવામાં આવશે.
મુખ્યમંત્રીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનું ઉદ્દઘાટન કર્યું
અમદાવાદ શહેર દિવસે દિવસે ડિજીટલ થઇ રહ્યું છે. શહેરીજનોની સુવિધા માટે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત, કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનું ઉદ્દઘાટન કર્યું.
અમદાવાદ શહેર સ્માર્ટ સીટી ઘોષિત થયા બાદ સતત સ્માર્ટ બનવા તરફ જઇ રહ્યું છે. શહેરીજનોની સુખાકારી અને સુરક્ષા માટે આજે રીયલ ટાઇમ ડેટાથી મોનીટરીંગ થઇ શકે તેવા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રુમનું ઉદ્ધાટન મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીના હસ્તે થયું, સાથે અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી કિરીટ સોલંકી અને મેયર ગૌતમ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
શહેરમાં સેંકડો કેમેરા અને સેન્સર્સ દ્વારા પાયાની સુવિધાઓનું સતત મોનીટરીંગ કોઇ પણ પ્રકારની ભુલોને સુધારશે અને નાગરિકોની સુવિધામાં વધારો કરશે.
ઉચ્ચ ટેક્નોલોજીના ઉપયોગ અને કમ્પ્યુટરની મદદથી નાગરિક સુવિધાઓમાં પારદર્શિતા વઘશે જેને શહેરીજનો પણ વખાણી રહ્યા છે.
ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવામાં આ કન્ટ્રોલ રુમ પોલીસ વિભાગ સાથે તાલ મિલાવીને ઇ મેમો પણ આપશે તેમજ સીસીટીવી સર્વેલન્સ દ્વારા બી.આર.ટી.એસ.ની બસોને સમયબધ્ધ કરશે તથા મહિલાઓની સિક્યોરીટીને પણ સુનિશ્ચિત કરશે.
રાજ્યમાં યુવાનોને રોજગારી આપવા સરકાર કરી રહી છે નક્કર પ્રયત્નો
રાજ્યમાં યુવાનોને રોજગારી આપવા સરકાર નક્કર પ્રયત્નો કરી રહી છે. 1995-96માં રોજગાર કચેરી દ્વારા 37 હજાર યુવાનોને રોજગારી આપવામાં આવી તેની સામે 2016-17માં 3 લાખ 60 હજાર યુવાનોને રોજગારી આપવામાં આવી છે. ઉલ્લેખીય છે કે ગુજરાતમાં સૌથી ઓછો બેરોજગારીનો દર છે. મહારાષ્ટ્રમાં દર હજારે 21, પશ્ચિમ બંગાળમાં દર હજારે 49 , કેરલામાં 125 અને ઉત્તર પ્રદેશમાં 94 જેટલો છે. આ તમામની સામે ગુજરાતમાં માત્ર 9 જ છે.ત્યારે આજે રૂપાણી સરકારે પણ વિધાનસભા ગૃહમાં વિવિધ હજારો યુવાનોને સરકારી નોકરી આપી હોવાનું જણાવ્યુ હતુ.
બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીના પરિણામ
નગરપાલિકાની ચૂંટણી બાદ રાજ્યની બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા છે.
21 ફેબ્રુઆરીના રોજ ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતનું મતદાન તેમજ 17 તાલુકા પંચાયતનું પણ મતદાન યોજાયું હતું. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 51 ટકા, તો તાલુકા પંચાયતની ચૂંટણીમાં 53 ટકા મતદાન નોંધાયું હતું. આજે મતગણતરી હાથ ધરાતા ખેડા જિલ્લામાં ભગવો લહેરાયો છે. જેમાં 44 બેઠકોમાંથી 28 બેઠક ભાજપને મળી છે, તો 16 બેઠક પર કોંગ્રેસને જીત મળી છે. જ્યારે બનાસકાંઠા જિલ્લા પંચાયતની 66 બેઠકોમાંથી 36 કોંગ્રેસને જ્યારે 29 ભાજપને મળી છે. આમ,બનાસકાંઠામાં કોંગ્રેસ સફળ રહી છે. તો બનાસકાંઠા જિલ્લાની એક સીટ બિનહરીફ જાહેર થઇ છે.
ગાંધીનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન યથાવત છે. જેમાં 36 બેઠકોમાંથી 18 કોંગ્રેસને તો 15 ભાજપને , જ્યારે 3 બેઠક અપક્ષને મળી છે. આ સિવાય જિલ્લા પંચાયતની 5 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપને 3 જ્યારે કોંગ્રેસને બે બેઠક મલી છે. તાલુકા પંચાયતની વાત કરીએ તો દિયોદર તેમજ લાખણી તાલુકામાં ટાઇ પડી હતી, જ્યારે ભાભર તાલુકા પંચાયત કોંગ્રેસે કબજ્ કરી છે. જેમાં 18માંથી 13 બેઠક કોંગ્રેસને તો, 5 બેઠક પર ભાજપને વિજય મળ્યો છે. કોંગ્રેસે ભાજપ પાસેથી આ તાલુકા પંચાયત આંચકી લીધી છે. પૂર્વમંત્રી શંકર ચૌધરીના મત વિસ્તારમાં કોંગ્રેસનું જોર યથાવત રહ્યું છે. તો દાંતા તાલુકા પંચાયતના ખેડોર બેઠકમાં નિશાનોના પગલે થયેલ ગડબડ બાદ ફેર મતદાન થયું છે. જેમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. અરવલ્લીના મેઘરજના કણોલ તાલુકા પંચાતની પેટાચૂંટણીમા ભાજપના નરેશ ડામોર 109 મતથી વિજયી બન્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉના સભ્યનું મોત થતા બેઠક ખાલી પડી હતી. જે કોંગ્રેસના કબ્જે હતી. હવે ભાજપના ભાગે ગઇ છે.
જ્યારે તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સારી સફળતા મળી છે. બે તાલુકા પંચાયતમાં ટાઇ બાદ પાલનપુર, દાંતા, દાંતીવાડા, ભાભર, વડગામ, કાંકરેજ, કપડવંજ બેઠકો પર કોંગ્રેસને બહુમતી મળી છે, જ્યારે અમીરગઢ, ડીસા, સૂઇગામ, ધાનેરા, કઠલાલ, થરાદ તેમજ વાવ તાલુકા પંચાયતમાં ભાજપને બહુમતી મળી છે. આમ સમગ્રતઃ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને વધુ સફળતા મળી છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આવતી કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુલાકાત લેશે
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આવતી કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુલાકાત લેશે. જ્યાં નાની દમણ સરકારી
કોલેજના મેદાનમાં સભા સંબોધિત કરશે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સરકારી મેદાન પર ડોમ ટેન્ટ બનાવવામાં આવી રહ્યા છે સાથે જ પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દમણને છાવણીમાં
ફેરવી દેવામાં આવી છે. દમણમાં પ્રધાનમંત્રી અનેક વિકાસ યોજનાઓનો શુભારંભ કરશે સાથે જ દમણ અને દીવ
વચ્ચે પવનહંસ હેલિકોપ્ટર સેવા પણ શરૂ કરવામાં આવશે. જ્યારે નાની દમણ સક્રિટ હાઉસની નવી બિલ્ડિંગનો
પણ પ્રધાનમંત્રી શુભારંભ કરશે. પ્રધાનમંત્રી સભા સ્થળેથી રિમોટ કંટ્રોલથી બધી યોજનાઓનો શુભારંભ કરશે.
પ્રધાનમંત્રી ત્યારબાદ તમિલનાડુ જવા રવાના થશે. રવિવારે પ્રધાનમંત્રી પુંડુચેરીની મુલાકાત કરશે.
દીવમાં ૨૪ ફેબ્રુઆરીના રોજ નાગવા સ્થિત એરપોર્ટ ખાતે હેલિકોપ્ટર સેવાનો પ્રધાનમંત્રીના હસ્તે શુભારંભ
દીવ માં ૨૪ ફેબ્રુઆરીના રોજ નાગવા સ્થિત એરપોર્ટ ખાતે, એરઓડિશા વિમાન સેવા અને દમણ દીવ હેલિકોપ્ટર સેવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શુભારંભ થવા જઈ રહ્યો છે. આ સેવા ચાલુ થવાથી, દીવના પર્યટકો અને દીવના લોકો માટે ખુબજ સારી સુવિધા મળી રહેશે.
ખંભાળીયા મામલતદાર કચેરી ખાતે જીલ્લા કાનૂની સેવા શિબિર યોજાવામાં આવી
ખંભાળીયા મામલતદાર કચેરી ખાતે જીલ્લા વહીવટી તંત્ર અને કાનૂની સેવા-સતા મંડળના સંયુક્ત ઉપક્રમે, લોકો માટે, જીલ્લા કાનૂની સેવા શિબિર યોજાવામાં આવી હતી. આ કાનૂની સેવા શિબિરમા, લોકોના માટે ઉપયોગી તમામ ડોક્યુમેન્ટ્સ તેમજ કાર્ડ એક જ જગ્યાએથી મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામા આવી હતી. આજના સમયમાં ઉપયોગી આધાર કાર્ડ, કલર ચૂંટણી કાર્ડ, આરોગ્યલક્ષી મા અમૃતમ કાર્ડ, વાત્સલ્ય કાર્ડ, રેશનકાર્ડ,ખેડૂતો માટેના 7-12 ,8 અ,6 નમ્બર ના દાખલા એક જ સ્થળ પરથી કાઢી આપવામાં આવ્યા હતા, તો.લોકો માટે અતિ મહત્વની પ્રધાન મંત્રી વીમા યોજના, તેમજ ફસલ વીમા યોજનાની પણ નોંધણી કરવામાં આવી હતી. તો વૃધ્ધો માટેના સિનિયર સીટીઝન કાર્ડ , વૃદ્ધ પેન્શન , વિધવા પેન્શનના ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા. જરૂરી લોકો ને આવક, જાતીના દાખલા પણ એક જ સ્થળ પરથી કાઢી આપવામાં આવ્યા હતા. આ તકે લોકોને વિવિધ સરકારી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
વડોદરામાં મર્સીડીઝ ગાડીની રેપલીકાનું પ્રદર્શન યોજાયુ
અમદાવાદની આર્ટ એ ફેર અને વડોદરાની સર્જન આર્ટ ગેલેરીના સંયુક્ત ઉપક્રમે, વડોદરામાં કલાલી વિસ્તારમાં મર્સીડીઝ ગાડીની રેપલીકાનું પ્રદર્શન યોજાયુ હતુ. એડોલ્ફ હિટલર એક સરમુખત્યારશાહી ચલાવતા શાસક હતા અને તેઓ કાર જુસ્સાથી ચલાવતા હતા, તે સમયે તેઓ મર્સિડીઝબેંઝ 770ના ક્લાસિક મોડેલનો ઉપયોગ કરતા હતા. આથી આ કાર હિટલરની પરેડ કાર તરીકે ઓળખાતી હતી અને હાલમાં તે કારને કેનેડિયન મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. મર્સિડીઝ મોડેલ સાથે સંકળાયેલા આવા સમૃદ્ધ ઇતિહાસ સાથેની કારની રેપલીકાને 19 કલાકારોએ વિન્ટેજ કારના આ મોડેલને આધુનિક અને સમકાલીન કળા સ્વરૂપમાં રૂપાંતરિત કર્યું અને વડોદરામાં પ્રદર્શન કર્યું હતુ. અમરનાથ શર્મા, જગન્નાથ મહાપાત્રા, જલદીપ ચૌહાણ, જીતુ ઓઝા, અપૂર્વા દેસાઈ, ચેતન પરમાર અને કમલ રાણા જેવા પ્રસિદ્ધ કલાકારોએ વિન્ટેજ કારની રેપલીકા, પોતાના આર્ટ ફોર્મમાં બનાવી, તરતી માછલીઓ,ઉડતા પક્ષીઓ,ગુલાબ, પ્રેમ ની અભિવ્યક્તિ જેવા વિષયોને વિન્ટેજ કાર પર રજુ કરવામાં આવી હતી.
૨૫ ફેબ્રુઆરીના દિવસે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા 'જામનગર હાફ મેરેથોન - ૨૦૧૮' નું મેગા આયોજન
જામનગરના સદભાવના ગ્રુપ અને ફીઝીકલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડીયા દ્વારા ક્લીન એન્ડ ગ્રીન જામનગરના થીમ ઉપર, આગામી તારીખ ૨૫ ફેબ્રુઆરીના દિવસે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા 'જામનગર હાફ મેરેથોન - ૨૦૧૮' નું મેગા આયોજન કરવામાં આવ્યું છે. હાફ મેરેથોન દોડ પહેલા મહિલાઓનું 'વોક ફોર જામનગર' નું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા સાંસદ, મેયર અને પૂર્વ રાજયમંત્રીસહીત બહોળી સંખ્યામાં મહિલાઓ દ્વારા શેહરમાં સ્વચ્છતા અભિયાનના પ્રચાર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા ઇવેન્ટ અંતર્ગત જામનગર શહેરના લોકો સ્વચ્છતા પ્રત્યે વધુ માં વધુ જાગૃતતા આવે તેવા હેતુ થી પર્યાવરણ અને સ્વચ્છતા માટે વોક ફોર જામનગર નામની સ્વચ્છતા રેલી યોજાઈ હતી, જેમાં જામનગર ની અગ્રગણ્ય મહિલા સંસ્થાઓના હોદેદારો અને સભ્યો સહીત બહોળી સંખ્યામા મહિલાઓ ઉમંગ ઉત્સાહભેર જોડાયા હતા.
વાહનો પર લગાવવામાં આવતા ક્રેશગાર્ડ અને બુલબાર વિશેની ખોટી માન્યતા વિશે અપાઈ માહિતી
વાહનો પર લગાવવામાં આવતા ક્રેશગાર્ડ અને બુલબાર દ્વારા અકસ્માત સમયે રક્ષણ આપવા માટે જરૂરી ટેકનીકલ સુવિધા વાહન બનાવનાર કંપનીઓ દ્વારા આપવામાં આવે છે. પરંતુ આ માન્યતા ખોટી હોવાનું રાજ્યના પ્રાદેશીક વાહન વ્યવહાર વિભાગ દ્વારા તાજેતરના જાહેર કરવામાં આવેલા પરીપત્રમાં જણાવવામાં આવ્યું છે. ટેકનીકલ કારણસર મુશ્કેલી સર્જાતી હોવાનુ તંત્રના ધ્યાનમાં આવતા સલામતી માટે લગાવાતા ક્રેશગાર્ડ, બુલબારને હટાવી લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ અંગે મોરબી જીલ્લા સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર અધીકારી, એ.જે.વ્યાસે જણાવ્યું હતું.
હવે જોઇએ કેટલાક રાષ્ટ્રીય સમાચાર સંક્ષિપ્તમાં.
1.આઇ.એ.એસ. અધિકારીના પ્રતિનિધિમંડળે કેન્દ્રિયમંત્રી જીતેન્દ્રસિંહ સાથે મુલાકાત કરી દિલ્હીના મુખ્ય સચિવ સાથે બોલાચાલીના મામલે દિલ્હીની અદાલતમાં આમ આદમી પાર્ટીના બે સભ્યોના જામીન અંગે છઇ આજે સુનાવણી.- બીજેપી અને કોંગ્રેસે કરી રાજ્યસરકારના વિરૂદ્ધ કાર્યવાહીની માંગ
2.કાનપુરના રોટોમેક કૌભાંડના મામલે સીબીઆઇએ કંપનીના બે નિર્દેશકો વિક્રમ કોઠારી અને રાહુલ કોઠારીને ગિરફતાર કર્યા. બંને ઉપર સાત બેંકોને છેતરવા બદલ કેસ ચાલી રહ્યો છે. કોઠારી પરિવાર ઉપર ત્રણ હજાર કરોડ રૂપિયાના બેન્ક લોનને લઇને ચાલી રહી છે તપાસ
3.જમ્મુ-કાશ્મીરના ઉધમપુર ઇલાકામાં મૂળભૂત છબી સુધારવા માટે અને જનતાને જરૂરી સુવિધા પહોંચાડવાનાં હેતુથી ઉધમપુરથી ઘોડી ડબલ લેન અપગ્રેડેશનનો આધાર મૂકવામાં આવ્યો છે, તેના કારણે ત્યાંના નાગરિકોને ઘણો ફાયદો મળશે.
4.ઘાસચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવની જમીનની અરજી આજે ઝારખંડ હાઇકોર્ટે ફગાવી દીધી. ઘાસચારા કૌભાંડ માટે સીબીઆઇ કોર્ટે લાલુ પ્રસાદને સાડા ત્રણ વર્ષની સજા ફટકારી હતી.
5.ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર ત્રિપુરામાં 26 ફેબ્રુઆરીએ 6 બેઠકો માટે ફરી મતદાન કરાવવામાં આવશે. 17 ફેબ્રુઆરીએ ત્રિપુરાની 60 વિધાનસભા સીટમાંથી 59 ઉપર ચૂંટણી થઇ હતી અને 3 માર્ચે ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું હતું.
6.કેન્દ્રિય સુચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીએ આજે પિથોરાગ આ સીમાંત વસંતોત્સવ મેળામાં હાજરી આપી હતી. આ મેળાનું આયોજન છ દિવસ માટે કરવામાં આવ્યું છે. કુમાઉટ ક્ષેત્રની સાંસ્કૃતિક વારસાને આગળ લાવવાના હેતુથી આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું.
7.એન.આઇ.એ.એ સુંજવા સૈન્ય શિબિર હમલાના મામલે અરજી કરી છે. કેટલાક આતંકીઓએ જમ્મુમાં સુંજવ સૈન્ય શિબિર પર હુમલો કર્યો હતો, જેમાં 5 જવાનો અને એક નાગરિકના મોત નિપજ્યાં હતા. આ હુમલામાં 11 લોકો ઇજાગ્રસ્ત થયા.
8. ભારતીય ટેસ્ટ ટીમના ભરોસાપાત્ર બેટ્સમેન ચેતેશ્વર પુજારા આઇપીએલની આ સીઝનમાં પણ નથી વેચાયા. એમને ખરીદવા માટે કોઇ ટીમે રસ નથી દર્શાવ્યો.
9.બોક્સિંગમાં પાંચ વખત વિશ્વ ચેમ્પિયન બનેલી એમ.સી.મેરીકોમ ઓગણસિત્તેરમી રાજ્ય ટુર્નામેન્ટમાં 48 કિલો ભાર વર્ગનાં સેમીફાઇનલમાં પહોંચ્યા. મેરીકોમની આ જીતથી દેશ માટે એક મેડલ થયો પાક્કો.
10.સિરિયામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા સંઘર્ષને રોકવા માટે કાલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક થઇ હતી. આ બેઠકમાં સિરિયામાં ચાલી રહેલા સંઘર્ષને રોકવા માટે 30 દિવસના સંઘર્ષ વિરામ સંબંધિત પ્રસ્તાવ ઉપર ચર્ચા થઇ.
હવે જોઇએ રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં.
1.પાટણની ઘટનાને ગંભીર સમજીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પોલીસ મહાનિરીક્ષકની અધ્યક્ષતામાં ખાસ તપાસ દળની રચના કરી છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે 31 માર્ચ સુધીમાં સમગ્ર તપાસ કરીને અહેવાલ રાજ્ય સરકારને સોંપવામાં આવશે.
2. શિયા ઇસ્લામિક પંથના આધ્યાત્મિક વડા હિઝ હાઇનેસ પ્રિન્સ કરિમ આગાખાન ગુજરાતની મુલાકાતે પધાર્યા ત્યારે તેમનું હવાઇ મથકે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ રાજ્યપાલ ઓ.પી.કોહલીને મળ્યાં જ્યાં એમને સીદી સૈયદની જાળીની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી હતી. વિજય રૂપાણી સાથેની મુલાકાતમાં કેન્સર રોગની સારવાર અને તેના રિસર્ચ ક્ષેત્રમાં સહકાર અંગે પણ થઇ ચર્ચા.
3.અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી બેવડી ઋતુના કારણે વાઇરલ જન્ય રોગોએ દેખા દીધી છે. અમદાવાદ સહિત ગુજરાતમાં ચાલી રહેલ મિશ્ર સિઝન વચ્ચે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. સોલા સિવિલમાં મેડીસીન વિભાગના જણાવ્યા અનુસાર આ પ્રકારની સિઝનમાં લોકોએ વધુ પ્રમાણમાં પાણી લેવાનું જણાવ્યું હતું.
4.અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન ખાતે આજે વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં 100થી વધુ લાભાર્થી પેન્શનરો ઉપસ્થિત રહ્યા હતા.
5.આહવામાં જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા એક સેમીનાર યોજાયો હતો. દક્ષિણ ગુજરાતના પ્રજાજનોમાં ચિંતાજનક રીતે વધી રહેલા રોગોના નિરાકરણ માટે લાંબા ગાળાના આયોજનો હાથ ધરવા હિમાયત કરી હતી.
6.નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે આ વર્ષે બજેટમાં આરોગ્યની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે. તે હેઠળ જૂનાગઢ આયુર્વેદ હોસ્પિટલ ખાતે વેલનેસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સેન્ટરનાં શુભારંભ પ્રસંગે વ્યસ્ત જીવન શૈલીને કારણે ઉભા થતા રોગોના નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેન્ટર લોકોને યોગ, યોગ્ય આહાર, આચાર વિચારનું તલસ્પર્શી સ્વસ્થ જીવન જીવવાની દિશા બતાવશે.
7.સ્વચ્છ ભારત મિશન માટે જે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, તેને અનુલક્ષીને તમામ વર્ગોને સાથે જોડી સ્વચ્છતાની ઝુંબેશને જાળવી રાખવા આજે અમદાવાદમાં એક કાર્યશાળાનું આયોજન ફિલ્ડ પબ્લીસીટી ડાયરેક્ટર તરફથી કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં આઇ.બી.ના ડાયરેક્ટરે જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારો સુધી આ ઝુંબેશ ચલાવવા માટે ગ્રામરૂટ લેવલ પર કામ થઇ રહ્યું છે.
8.કેન્દ્ર અને રાજ્યની કલ્યાણકારી યોજનાઓ ગામડાઓ સુધી પહોંચાડતું આશા સંમેલન જૂનાગઢ ખાતે મળ્યું હતું. આ સંમેલનમાં 1 હજાર આશા બહેનોએ આ કાર્ય માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
9.રંગોના મહાપર્વ ધૂળેટી આવી રહી છે, ત્યારે આડેધડ કલર લગાવતા તત્વોને પાઠ ભણાવવા મોરબીમાં સામૂહિત રજૂઆત થઇ છે. મહિલાઓએ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને જઇ રંગ લગાડવાના બહાને છેડતી અને હેરાનગતિ સામે કડક પગલાં લેવા રજૂઆત કરી હતી.
જૂનાગઢ ખાતે કૃષિ વિભાગ દ્વારા કૃષિમેળો અને પ્રદર્શનનું આયોજન
જૂનાગઢ ખાતે કૃષિકારોની આવક 2022 સુધીમાં બમણી થાય તેમજ લોકો આધુનિક ખેતી તરફ વળે તેવા આશયથી કૃષિ વિભાગ દ્વારા કૃષિમેળો અને પ્રદર્શનનું આયોજન થયુ હતુ. નવા સંશોધનો તેમજ ઓછી જમીનમાં વધુ અને સારુ ઉત્પાદન કેવી રીતે લેવુ, કૃષિની નવી નવી રીતો તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળી, સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરી અનાજ, કઠોળ, શાકભાજી, ફળોનું ઉત્પાદન કરવા માટેના સલાહ સૂચનો અને પ્રત્યક્ષ પ્રદર્શન, આ મેળાનું આકર્ષણ રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી, કૃષિમાં બમણી આવક મેળવવાની જાણકારી મેળવી હતી.
કચ્છ અને ગુજરાતના ટુરિઝમને પ્રમોટ કરાશે
ગુજરાત પર્યટનની સંભાવનાથી ભરપૂર પ્રદેશ છે. ગુજરાત નહીં દેખા તો કુછ નહીં દેખા. તેમાંય કચ્છની તો વાત જ અનેરી છે. હવે બ્લૉગ અને ફૉટો ટુરિઝમ દ્વારા કચ્છ તેમજ ગુજરાતના ટુરિઝમને પ્રમોટ કરાશે.
કચ્છ એટલે સંસ્કૃતિ અને લોકજીવનથી ધબકતો પ્રદેશ. હવે બ્લોગ અને ફોટોગ્રાફસ દ્રારા પણ કચ્છ અને ગુજરાતના ટુરિઝમને પ્રમોટ કરાશે. ઇનોવેટીવ કાઉન્સિલ ઓફ ઇન્ડીયન ટુરિઝમ અને ગુજરાત ટુરિઝમના સહયોગથી કચ્છમાં એક ઇવેન્ટનુ આયોજન કરાયું હતું જેમાં દેશવિદેશના જાણીતા ફોટોગ્રાફર અને બ્લોગર કચ્છ આવ્યા હતા અને કેમેરામાં કચ્છની સુંદરતા કેદ કરી હતી જે તેઓ વિશ્વના ખૂણેખૂણે પહોંચાડશે
વીઓ-2 ફોટો ટુરિઝમના માધ્યમથી કચ્છની કલા સંસ્કૃતિ અને વિવિધતાને કેમેરામાં કંડારવાની સાથે વિશ્વ સમક્ષ મુકવાનો પ્રયત્ન કરી ગુજરાત અને કચ્છના ટુરિઝમને પ્રોત્સાહન આપનો પ્રયાસ થયો છે. કચ્છની ગ્રામ્ય સંસ્કૃતિ અનેક કેમેરાની ક્લીકથી ચમકી ઊઠી હતી. ભૂજથી કૌશિક કાંટેચાનો અહેવાલ.
વિધાનસભા સમાચાર વિગતે
ગુજરાતના રાજયપાલ ઓ.પી.કોહલીએ બજેટ બેંકના પ્રથમ દિવસે ગુજરાતનો વિકાસ યુવાનોને રોજગારી-નોકરી ઊપરાંત ખેડુતો, વેપારીઓ, વિર્ઘાથીઓ તથા તમામ વર્ગના લોકો માટે રાજય સરકારે કરેલા આયોજનનું કુલ ગુલાબી ચિત્ર દર્શાવતું પ્રવચન વિધાનસભામાં કર્યુ હતુ, આ પ્રવતન ઊપર આભાર પ્રસ્તાવની ત્રણ દિવસની ચર્ચાનો આજે અંતિમ દિવસ હતો, જેમાં વિરોધ પક્ષે બેઠેલી કોગ્રેસના ધારાસભ્યોએ ટીકાત્મક પ્રતિભાવ આપ્યો હતો, જયારે સતાધારી ભાજપના સભ્યોએ એ પ્રવચનને વધાવી લઇને તેને અનુમોદન આપતો સુર વ્યકત કર્યો હતો, તેમજ કેટલાક રાજકીય અવલોકનો પણ કર્યા હતા.
ચર્ચાનો પ્રારંભ કરતા ભાજપના સીનીયર ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ જણાવ્યુ હતું કે આ સરકારે ટેકાના ભાવે મગફળી -કપાસ ખરાદવાનું શરૂ કરતાં ખેડુતોને મગફળી-કપાસના સારા ભાવો મળી રહ્યા છે. સરકારે આ વખતે વિક્રમ ખરીદી કરી છે. ખેડૂતોને પાક વિમો આપવામાં પણ આ સરકાર અગ્રેસર છે.
કોંગ્રેસના સીનીયર સભ્ય પૂજાભાઇ વંશે ભાજપ સરકારને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે ભાજપ નેતાઓ સ્વ.ઇન્દુલાલ યાજ્ઞિકની વાતો કરે છે, પરંતુ તેમનું નડીયાદ ખાતેનું ઘર ધૂળ ખાય છે. તેમણે આ ઘરને રક્ષિત સ્મારક જાહેર કરવા માગણી કરી હતી. ગીર સોમનાથમાં 100 ટકા શૌચાલયો થયા હોવાની વાતને તેમણે સત્યથી વેગળી ગણાવી હતી. ભાજપના સુરેશભાઇ પટેલે રાજ્યપાલના પ્રવચનને સમર્થન આપતાં જણાવ્યું હતું કે આ સરકાર શિક્ષણક્ષેત્રે ખાનગી સ્કુલોમાં ફી નિર્ધારણનો કાયદો લાવી જેના કારણે રાજ્યના ગરીબ તથા મધ્યમવર્ગના વાલીઓને કરોડો રૂપિયાનો ફાયદો થયો તે જ રીતે શાળા પ્રવેશોત્સવના કારણે સારા પરિણામે આવ્યાં છે. ભાજપના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ તેમના પ્રવચનમાં કોંગ્રેસ ઉપર પ્રહારો કરતાં માત્ર રાજકીય અવલોકનો કર્યા. તેમણે જણાવ્યું હતું કે આ પ્રવચનમાં સર્વજન હીત માટે સરકારની કામગીરીનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ભાજપના મનિષાબેન વકીલે જનજાગૃતિ અને અત્યાચારો સામે ભાજપ સરકાર અને સંગઠન જાગૃત અને સક્ષમ છે. કોંગ્રેસના વિરજીભાઇ ઠુમરે જણાવ્યું હતું કે આ સરકારની કામગીરીથી ગુજરાતની ગરીમા ઝાંખી થતી જાય છે. પ્રવચનમાં રાજ્યપાલે કરેલી વિકાસની વાતો સત્યથી વેગળી છે. નર્મદા યોજનાની કામગીરી કોંગ્રેસની સરકારે શરૂ કરી હતી. જેના કારણે આજે ગુજરાતને પાણી મળી રહે છે. સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો નહીં હોવાના તેમજ ગોચરની જમીનો માનીતા ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. ભાજપના બાબુભાઇ જમનાદાસે જણાવ્યું હતું કે આ સરકારે પશુપાલનના વ્યવસાયને મહત્વ આપી સહાય શરૂ કરતાં આ એક આગવો વ્યવસાય બની ગયો છે. અને ઘણાં ગરીબ કુટુંબો તેના કારણે સુખી બની ગયાં છે. કોંગ્રેસના ભગવાદાસ બાડે આક્ષેપ કર્યો હતો કે ખેતી પ્રધાન આ દેશમાં આ સરકારે ખેડૂતોની હાલત ખરાબ કરી નાખી છે. ખેડૂતોને તેમની ખેતપેદાશો વેચવા ગાડુ લઇને ઠેરઠેર ભટકવું પડે છે. તેમણે રામંદિરની ઇંટો ક્યાં ગઇ તેના હિસાબ માગ્યો હતો.
કોંગ્રેસના કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે સરકારે પાક વીમા યોજનાનું નામ બદલ્યું છે, પણ ખેડૂતોને પારાવાર મુશ્કેલીમાં મૂક્યા છે. ઓન લાઇન ફોર્મ ભરવાના કારણે કોઇ ખેડૂત તેનો લાભ લઇ શકતા નથી. યોજનાનું નામ ભલે બદલે પણ તેનાથી ખેડૂતોને લાભ મળે તેવી યોજના બનાવવાનું તેમણે સુચન કર્યું હતું. Return to