ઈરાન-ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવથી ભારત પણ એલર્ટ, PMએ બોલાવી ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક
Live TV
-
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ અંગે ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની તાત્કાલિક બેઠક બોલાવી હતી.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ અને પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની તાત્કાલિક બેઠક બોલાવી. પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પશ્ચિમ એશિયામાં ઉભરી રહેલા સંકટ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.
ઈઝરાયેલ પર ઈરાની હુમલાના મુદ્દા પર પણ બેઠકમાં વિગતવાર ચર્ચા થઈ હતી. સમિતિએ પશ્ચિમ એશિયામાં વર્તમાન વિકાસને અત્યંત ચિંતાજનક ગણાવ્યો હતો. ઈંધણ સહિત અન્ય ઉત્પાદનોના પુરવઠા પર અસર અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ભારતે તમામ પક્ષોને મુત્સદ્દીગીરી અને વાતચીત દ્વારા મુદ્દાઓને તાત્કાલિક ઉકેલવા અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે અનેક વરિષ્ઠ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગૃહ પ્રધાન, સંરક્ષણ પ્રધાન, વિદેશ પ્રધાન, નાણાં પ્રધાન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની સમિતિએ ભાગ લીધો હતો. આ બેઠકમાં એશિયામાં સંકટના કારણે ભારતમાં ક્રૂડ ઓઈલના સપ્લાય પર અસરને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કાચા તેલની કિંમતમાં વધારો થવાની સંભાવના છે. આ શક્યતા એવી પણ વ્યક્ત કરવામાં આવી છે કે આવનારા સમયમાં તેની અસર ભારત સાથેના વેપાર પર પડી શકે છે. ભારતનું કહેવું છે કે સંઘર્ષ પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.