ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં સર્જાયો ગોઝારો અકસ્માત, ટ્રકની ટક્કર લાગતા 10નાં કરુણ મૃત્યુ
Live TV
-
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં ગુરુવારે મોડી રાતે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં જેટી રોડ પર કટકા ગામ પાસે એક ટ્રકે ટક્કર મારતા 10 લોકોનાં કમકમાટીભર્યા મૃત્યુ થયાં હતાં. આ ટ્રકે નજીરના ભદોહી જિલ્લામાંથી બનારસ જઈ રહેલા ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારી હતી. ટ્રેક્ટરમાં 13 લોકો સવાર હતા. આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર 10 લોકોએ જીવ ગુમાવ્યો હતો. મિર્ઝાપુરના પોલીસ અધિક્ષક અભિનંદને અકસ્માતની પુષ્ટિ કરી છે.
તેમણે જણાવ્યું કે રાત્રે લગભગ 1 વાગે મિર્ઝા મુરાદ કાંછવા બોર્ડર પર માર્ગ અકસ્માતની માહિતી મળી હતી. ભદોહી જિલ્લામાંથી 13 લોકોને લઈને બનારસ જઈ રહેલા એક ટ્રેક્ટરને એક બેકાબૂ ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી, બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું. 13માંથી 10 લોકોનાં મૃત્યુ થયા છે. અન્ય ત્રણ ઘાયલોને સારવાર માટે BHU મોકલવામાં આવ્યા છે. આ તમામ 13 લોકો ભદોહી જિલ્લામાં મજૂરી કામ કરતા હતા. FIR નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેક્ટર ઉપર ઉછળીને રોડની બાજુમાં આવેલી ગટરમાં ખાબક્યું હતું. જોરદાર ટક્કરથી કેટલાક મૃત્યુ પામ્યા અને કેટલાક નાળામાં દટાયા. પોલીસના જણાવ્યા અનુસાર, એસપીએ જણાવ્યું હતું કે મૃતદેહોનો કબજો લીધા પછી, તેમને શબઘરમાં મોકલવામાં આવ્યા છે અને ઘાયલોને તાત્કાલિક ટ્રોમા સેન્ટર (કાશી હિંદુ યુનિવર્સિટી), વારાણસી મોકલવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સામાન્ય હોવાનું કહેવાય છે આ અંગે કચવાણ પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તેમણે કહ્યું કે અધિકારીઓ દુર્ઘટનાના કારણની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે.