અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્ર જારી કર્યું
Live TV
-
અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ પત્ર જારી કર્યું છે. સંકલ્પપત્રમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહત્તમ ઉપયોગ થાય તેવા આયોજન પર ભાર મુકવામાં આવ્યો છે. શહેરમાં પાલિકા દ્વારા ગ્રીન ઝોન વિકસાવામાં આવશે અને ઇલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધે તે પ્રકારના પગલાં લેવાશે તેવી જાહેરાત થઇ હતી. આરોગ્યલક્ષી સેવાઓ ઘેર ઘેર પહોંચે તેવા આયોજનનો સંકલ્પ પણ જાહેર કરવામાં આવ્યો છે. ઘર વિહોણા લોકોને આવાસ યોજનાનો લાભ મહત્તમ મળે તેવું આયોજન થશે. અમદાવાદને સ્વચ્છ હરિયાળું શહેર બનાવવાનો અને સ્માર્ટ શાળાઓ ઉભી કરવાની નેમ જાહેર થઇ છે. સીનીયર સીટીઝન પોર્ટલની મદદથી વૃદ્ધો સુધી સુવિધાઓ પહોંચાડવાનો પ્રયાસ પણ થશે. આ ઉપરાંત ફ્લાયઓવર અને અન્ડર પાસ, રેલવે ક્રોસિંગ મુક્ત અમદાવાદ, મહિલાઓને વિનામુલ્યે બસ પ્રવાસ, નાના ફેરિયા તથા શાકભાજી ફ્રૂટવેચાણ કરતા ફેરિયાઓ માટે ખાસ ઈલેક્ટ્રીક રીક્ષા અને સ્થળ વ્યવસ્થા કરવાનો સંકલ્પ પણ જાહેર કરવામાં આવ્યો છે, આ સાથે કચરાના નિકાલ માટે ખાસ આયોજન કરવાની પણ જાહેરાત થઇ છે. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ શહેર પ્રમુખ જગદીશ પંચાલ, આઇ.કે.જાડેજા, સાંસદ કિરીટ સોલંકી અને નરહરિ અમીન ઉપસ્થિત રહ્યા હતા.