આજથી શરૂ થશે જનગણનાનો પ્રથમ તબક્કો, સ્વ-ગણતરી માટેનો પણ વિકલ્પ ઉપલબ્ધ
Live TV
-
વિશ્વની સૌથી મોટી વસ્તીગણતરી બે તબક્કામાં થશે. પ્રથમ વાર ડિજિટલ રીતે વસ્તીગણતરી હાથ ધરાશે, જેમાં સ્વ-ગણતરીનો વિકલ્પ પણ ઉપલબ્ધ હશે.
સમગ્ર દેશમાં દેશમાં આજથી જનગણનાનું પ્રથમ ચરણ શરૂ થશે. વિશ્વની સૌથી મોટી વસ્તીગણતરી બે તબક્કામાં થશે. પ્રથમ વાર ડિજિટલ રીતે વસ્તીગણતરી હાથ ધરાશે, જેમાં સ્વ-ગણતરીનો વિકલ્પ પણ ઉપલબ્ધ હશે. આંદામાન અને નિકોબાર ટાપુઓ, NDMC અને દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડ, ગોવા, કર્ણાટક, લક્ષદ્વીપ, મિઝોરમ, ઓડિશા અને સિક્કિમમાં આજથી 15 એપ્રિલ દરમિયાન સ્વ-ગણતરી અને 16 એપ્રિલ થી 15 મે 2026 દરમિયાન હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ હાથ ધરવામાં આવશે. જેમાં વસ્તીના આંકડા, દેશની નીતિ યોજનાઓના નિર્માણમાં મહત્વપૂર્ણ બની રહેશે. તેના આધારે શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને પાયાની વ્યવસ્થા સાથે જોડાયેલી યોજનાઓ તૈયાર કરવામાં આવે છે.
સ્વ-ગણતરી માટે, નાગરિકો તેમના મોબાઇલ નંબર અને અન્ય મૂળભૂત વિગતોનો ઉપયોગ કરીને SE પોર્ટલ પર લોગ ઇન કરી શકે છે તથા તેમની અનુકૂળતા મુજબ વસ્તીગણતરી શેડ્યૂલ પૂર્ણ કરી શકે છે. સફળ સબમિશન પર, એક અનન્ય સેલ્ફ-એન્યુમરેશન આઈડી (SE ID) જનરેટ કરવામાં આવશે. જે ફીલ્ડ વિઝિટ દરમિયાન ગણતરીકાર સાથે શેર કરવાનો રહેશે. સ્વ-ગણતરી વિકલ્પ ગણતરીકારની મુલાકાત પહેલાં પોતાની અનુકૂળતા મુજબ માહિતી ભરવાની સુગમતા પૂરી પાડે છે. જ્યારે ગણતરીકારો અગાઉની વસ્તીગણતરીની જેમ જ તેમના ફાળવેલ બ્લોક્સમાં ઘર-ઘર જઈને ગણતરી કરવાનું ચાલુ રાખશે, ત્યારે સ્વ-ગણતરી એ ઉત્તરદાતાઓને આ વખતે આપવામાં આવેલી વધારાની સુવિધા છે.
કેવી રીતે કરશો સ્વગણતરી?
(SE પોર્ટલ (se.census.gov.in) એક્સેસ કરો → મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરો → નકશા પર સ્થાન ઓળખો → પરિવારની વિગતો ભરો → માહિતી સબમિટ કરો → SE ID મેળવો → ગણતરીકારને SE ID આપો → ડેટાની પુષ્ટિ અને વસ્તીગણતરીમાં સમાવેશ)


