ઉત્તરકાશી: શ્રમિકોનું રેસ્ક્યૂ, પ્રધાનમંત્રીએ શ્રમિકોના બચાવ કાર્યની કરી પ્રશંસા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિલ્ક્યારા ટનલમાંથી બહાર આવેલા શ્રમિકો સાથે ફોનથી વાતચીત કરી.
ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લાની સિલ્ક્યારા સુરંગમાં ફસાયેલ 41 શ્રમિકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બચાવ કામગીરીની પ્રશંસા કરી હતી અને આ અંગે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ ટનલમાં ફસાયેલા શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા છે તે જાણીને મને ઘણી ખુશી થઇ છે. રેસ્ક્યુ અભિયાન દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. 17 દિવસથી શ્રમિકોએ પીડા સહન કરવી પડી. જે માનવ સહનશક્તિનું એક પ્રમાણ છે. આ સફળ ઓપરેશન બદલ તમામ ટીમ અને વિશેષજ્ઞોને અભિનંદન પાઠવુ છું. તેઓએ આ કપરા રેસ્ક્યૂ અભિયાનને પૂર્ણ કરવા અવિશ્વસનીય ધૈર્ય અને દ્રઢ સંકલ્પ સાથે કામ કર્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બચાવ કામગીરીની પ્રશંસા કરતું ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, ઉત્તરકાશીમાં રેસ્ક્યૂની સફળતા દરેકને ભાવુક કરી રહી છે. ટનલમાં ફસાયેલા મિત્રોને હું કહેવા માંગુ છું કે, તમારી હિંમત અને ધૈર્ય દરેકને પ્રેરણા આપે છે. હું તમને બધાને સારા સ્વાસ્થ્યની કામના કરું છું. ખૂબ સંતોષની વાત છે કે, લાંબી રાહ જોયા પછી અમારા આ મિત્રો તેમના પ્રિયજનોને મળશે. આ પડકારજનક સમયમાં તેમના પરિવારજનોની ધીરજ અને હિંમતની કદર કરુ છું. હું આ રેસ્ક્યૂ કાર્ય સાથે જોડાયેલા તમામ લોકોની ભાવનાને પણ સલામ કરું છું. તેમની બહાદુરી અને નિશ્ચયએ આપણા શ્રમિક ભાઈઓને નવું જીવન આપ્યું છે. આ મિશનમાં સામેલ દરેક વ્યક્તિએ માનવતા અને ટીમ વર્કનું અદભૂત ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિલ્ક્યારા ટનલમાંથી બહાર આવેલા શ્રમિકો સાથે ફોનથી વાતચીત કરી હતી. તેઓએ શ્રમિકોના સ્વાસ્થ્ય અંગે ખબર અંતર પૂછ્યા હતા. તેઓના ધૈર્ય અને હિંમતની પ્રશંસા કરી હતી. આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ સીએમ પુષ્કરસિંહ ધામી સાથે શ્રમિકો માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગેની માહિતી મેળવી હતી. તો બીજી તરફ શ્રમિકોએ પણ રેસ્ક્યૂ અભિયાન માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.