મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકામાં રાજ્યનાં 23મા સાંસ્કૃતિક વન 'હરસિદ્ધિ વન'નું કર્યું લોકાર્પણ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા જિલ્લાની પ્રાકૃતિક વિરાસતમાં વૃદ્ધિ કરતા ગાંધવી ખાતે હરસિદ્ધિ વનનું લોકાર્પણ કર્યું હતું. પ્રસિદ્ધ દર્શનીય સ્થળ હર્ષદ નજીક નિર્મિત હરસિદ્ધિ વન 23મું ઉપવન છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દ્વારકા જિલ્લાની પ્રાકૃતિક વિરાસતમાં વૃદ્ધિ કરતા ગાંધવી ખાતે હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરતા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કંડારાયેલી સાંકૃતિક વનોના નિર્માણની શ્રૃખંલામાં પ્રસિદ્ધ દર્શનીય સ્થળ હર્ષદ નજીક નિર્મિત હરસિદ્ધિ વન 23મું ઉપવન છે. અહીં વન વિભાગ દ્વારા 05 હેક્ટરમાં નિર્માણ પામેલા હરસિદ્ધિ વનનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરી તેની મુલાકાત લીધી હતી સાથે પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા સહિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી નાગરિકોને મહત્તમ વૃક્ષોનું વાવેતર કરવા પ્રેરિત કર્યા હતા
સમગ્ર દેશમાં 140 કરોડ વૃક્ષો વાવવાની હાકલ કરવામાં આવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું હતું કે, "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં સવા સાત કરોડ વૃક્ષો વાવીને ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. આવનારા દિવસોમાં જન જનના સહયોગથી આ અભિયાનને જન આંદોલન બનાવવાનું છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજે વિશ્વ ગ્લોબલ વોર્મિંગના પડકારોથી ત્રસ્ત છે, ત્યારે વિઝનરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધરતી માતાનું ગ્રીન કવચ વધારવાના હેતુ સાથે વિશ્વ પર્યાવરણ દિવસે "એક પેડ માઁ કે નામ" અભિયાન શરૂ કરાવ્યું છે, તે અંતર્ગત દેશમાં 140 કરોડ જેટલા વૃક્ષો વાવવાની હાકલ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના આહવાનને ઝીલીને ગુજરાતે 75મા વન મહોત્સવ અન્વયે "એક પેડ માઁ કે નામ" અભિયાનને વેગવાન બનાવ્યું છે. મહત્ત્વનું છે કે, હર્ષદ ગાંધવી ખાતે નિર્માણ પામેલા 23મા સાંસ્કૃતિક વન - હરસિદ્ધિ વનમાં 41 હજારથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે.
આ અવસરે મુખ્યમંત્રીએ હતું કે, "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત આગામી માર્ચ મહિના સુધીમાં સમગ્ર રાજ્યમાં 17કરોડ વૃક્ષો વાવવાના છે. 75માંવન મહોત્સવ અંતર્ગત વન વિભાગ દ્વારા લોકભાગીદારીથી સમગ્ર રાજ્યમાં પાંચ હજાર જેટલા માતૃવનનું નિર્માણ કરાશે. બાળકોમાં વૃક્ષ વાવવાના અને તેના જતનના સંસ્કાર કેળવાય એટલા માટે રાજ્યની 53 હજાર આંગણવાડીઓમાં સવા ત્રણ લાખ વૃક્ષોના વાવેતરનો પ્રારંભ કરી દેવાયો છે. સદભાવના વૃદ્ધાશ્રમ સાથે મળીને દ્વારકા સોમનાથ કોસ્ટલ હાઇવેની બંને બાજુએ 40 હજાર જેટલા વૃક્ષો વાવવાનું આયોજન છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજે દ્વારકાના ગાંધવીમાં દરિયા કિનારે સુંદર સાંસ્કૃતિક વનનું નિર્માણ થયું છે. આટલે દૂર સુંદર વન બની શકે એવી કોઈ કલ્પના પણ ન કરી શકે ત્યારે આદરણીય પીએમ મોદીએ દરેક જિલ્લામાં વન મહોત્સવની ઉજવણી તેમજ સાંસ્કૃતિક નિર્માણનો આગવો વિચાર આપ્યો છે. પીએમ મોદીએ પર્યાવરણને સાથે રાખીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની નેમ રાખી છે. "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત અહીં એક માતૃવન નિર્માણ કરાઈ રહ્યું છે, ત્યારે આજે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત આસપાસના ગામના લોકો એક એક ઝાડ વાવશે ત્યારે અહીં વિશાળ વન ઊભું થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.