મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોરબંદરમાં ભારે વરસાદ બાદ રાહત બચાવ કામગીરીનું કર્યું નિરિક્ષણ
Live TV
-
પોરબંદર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ બાદ રાહત બચાવ કામગીરીની કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં તાજેતરમાં પોરબંદર જિલ્લામાં પડેલ અતિ ભારે વરસાદના કારણે લોકોના પાક, જમીનને પ્રતિકૂળતા અને લોકોના રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જવાથી થયેલી અસર બાબતે જિલ્લા પ્રશાસન દ્વારા માહિતી મેળવી હતી. તેમજ વરસાદી પાણીના નિકાલ અને હાલ તત્કાલ લેવાઈ રહેલા પગલા અંગે જિલ્લા પ્રશાસનને માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત પોરબંદરમાં ભરાતા પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા થાય તેવું આયોજન કરવા પણ સૂચનાઓ આપી હતી.
પોરબંદરમાં અતિવૃષ્ટિને લઈને CMની સમીક્ષા બેઠક
આ બેઠકમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, અતિવૃષ્ટિની સ્થિતિમાં સરકાર લોકોની સાથે છે. સરકારની જોગવાઈ મુજબ જરૂરી રાહતો અને જ્યાં જરૂર પડે ત્યાં વિશેષ મદદ કરવાની પણ મુખ્યમંત્રીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જિલ્લા પ્રશાસન દ્વારા અન્ય જિલ્લાઓમાંથી પાણી નિકાલ માટે મશીનરી પંપ મંગાવી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી, અને રાજકોટ જિલ્લા માંથી સફાઈની ટીમ બોલાવી સફાઈ કરી દવાનો છંટકાવ કરવા સહિતની થયેલી કામગીરી અંગેની માહિતી કલેક્ટર કે.ડી લાખાણીએ મુખ્યમંત્રીને આપી હતી. પોરબંદરમાં ભરાતા પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા થાય તેવું આયોજન કરવા પણ સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, અશોકભાઈ મોઢા, જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કર સહિતના અધિકારીઓ અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.