વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાબરકાંઠામાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની ઉજવણી
Live TV
-
વિશ્વભરમાં આદિવાસી દિવસની ઊજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો હતો.
ખેડબ્રહ્મા: વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આદિજાતિ વિકાસ મંત્રી, ડૉ. કુબેર ડીંડોર સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા આપી હતી. સાથે દેશની આઝાદીમાં આદિવાસીઓના યોગદાનને પણ યાદ કર્યું હતું.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે શાળા, હોસ્ટેલ તેમજ કૉલેજની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી સરકારે આદિવાસી વિસ્તારના લોકોને મુખ્ય પ્રવાહમાં જોડ્યા છે. વન બંધુ કલ્યાણ યોજનાથી સાક્ષરતા દરમાં વધારો થયો છે. વર્ષ 2001-02માં આદિવાસી વિસ્તારની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો 37% હતો. જે આજે ઘટીને 4% થયો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, પહેલા મેડિકલ કોલેજમાં આદિવાસીઓ માટેની અનામત બેઠકો ખાલી રહેતી..પરંતુ આદિવાસી સમાજના યુવક અને યુવતીઓ માટે કોચિંગ સેન્ટરની શરૂઆત કરાતા મેડિકલ કોલેજની તમામ બેઠકો ભરાઈ જાય છે.
આદિવાસી સંસ્કૃતિ અને સભ્યતાને વધુ મજબૂત કરવા માટે આજથી 42 વર્ષ પહેલાં, 9 ઓગસ્ટના રોજ સંયુક્ત રાષ્ટ્ર (UN) એ વિશ્વ આદિવાસી દિવસ (વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ) જાહેર કર્યો હતો. આજે આ દિવસ વિશ્વના 90થી વધુ દેશોમાં રહેતા આદિવાસીઓને સમર્પિત છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસીઓના અધિકારો અને અસ્તિત્વના રક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે.