ભારતીયોને રશિયા-યુક્રેન યુદ્ધ ક્ષેત્રમાં લઈ જનાર માનવ તસ્કરી નેટવર્કનો પર્દાફાશ
Live TV
-
સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (CBI) એ માનવ તસ્કરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. સીબીઆઈએ સાત રાજ્યોમાં આ રેકેટના 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન 50 લાખ રૂપિયા રોકડા, શંકાસ્પદ દસ્તાવેજો, ઇલેક્ટ્રિક રેકોર્ડ્સ, લેપટોપ, મોબાઈલ ફોન અને ઘણા ડેસ્કટોપ મળી આવ્યા છે. આ સાથે CBIએ ઘણા લોકોની અટકાયત પણ કરી છે. આ તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે.
35 લોકોને રશિયા અને યુક્રેન મોકલવામાં આવ્યા
તપાસ એજન્સીએ જણાવ્યું કે, પ્રારંભિક તપાસ કરતાં બહાર આવ્યું છે, અત્યાર સુધી 35 લોકોને નોકરીના બહાને રશિયા અને યુક્રેન મોકલવામાં આવ્યા છે. આ રેકેટનો ઘટસ્ફોટ કરતાં CBIએ કહ્યું કે, આ લોકો નિર્દોષ યુવાનોને વિદેશમાં આકર્ષક નોકરીઓનું વચન આપીને નિશાન બનાવતા હતા. આ દાણચોરો એક સંગઠિત નેટવર્ક તરીકે કામ કરી રહ્યા છે અને યુટ્યુબ વગેરે જેવી સોશિયલ મીડિયા ચેનલો દ્વારા અને તેમના સ્થાનિક સંપર્કો/એજન્ટો દ્વારા ભારતીય નાગરિકોને રશિયામાં ઊંચા પગારવાળી નોકરીઓ માટે લલચાવતા હતા.
CBIએ જણાવ્યું હતું કે, આ સંદર્ભે 6 ફેબ્રુઆરીના રોજ ખાનગી વિઝા કન્સલ્ટન્સી ફર્મ્સ અને એજન્ટો અને અન્યો સામે માનવ તસ્કરીનો કેસ નોંધવામાં આવ્યો હતો. તેઓ વધુ સારી રોજગાર અને વધુ પગારવાળી નોકરીની આડમાં ભારતીય નાગરિકોની રશિયામાં હેરફેરમાં રોકાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આ એજન્ટોનું માનવ તસ્કરીનું નેટવર્ક દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલું છે.
આ કેસમાં સીબીઆઈ દિલ્હી, તિરુવનંતપુરમ, મુંબઈ, અંબાલા, ચંદીગઢ, મદુરાઈ અને ચેન્નઈમાં લગભગ 13 સ્થળોએ એક સાથે સર્ચ કરી રહી છે. અત્યાર સુધીમાં 50 લાખથી વધુની રોકડ મળી આવી છે. આ સાથે એજન્સી દ્વારા વાંધાજનક દસ્તાવેજો અને લેપટોપ, મોબાઈલ, ડેસ્કટોપ, સીસીટીવી ફૂટેજ વગેરે જેવા ઈલેક્ટ્રોનિક રેકોર્ડ્સ જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં હજુ પણ શોધખોળ ચાલુ છે.