ખાનગી ક્ષેત્રમાં 20 લાખ સુધીની ગ્રેચ્યુઇટી ટેક્સ ફ્રી, લોકસભામાં બિલ પસાર
લોકસભાએ શુક્રવારે ગ્રેચ્યુઇટી અને વિશેષ રાહત (સંશોધન) બિલને મંજૂરી આપી હતી. આ બિલમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને મળતી 20 લાખ રુપિયા સુધીની ગ્રેચ્યુઇટીની રકમને ટેક્સ ફ્રી કરવાની જોગવાઈ સામેલ છે. અત્યારે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને 10 લાખ સુધીની ગ્રેચ્યુઇટી રકમ ટેક્સ ફ્રી છે. શુક્રવારે સતત નવમા દિવસે પણ સંસદમાં વિરોધ પક્ષોએ વિવિધ મુદ્દે હોબાળો ચાલુ રાખ્યો હતો. આ હોબાળા વચ્ચે સરકારે ગ્રેચ્યુઇટીની જોગવાઈઓમાં સુધારા અંગેનું બિલ સફળતાપૂર્વક પસાર કર્યું હતું. આ બિલને સંસદની મંજૂરી મળ્યા બાદ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને મોટી રાહત મળશે.